મથુરામાં આજથી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનો પ્રારંભ: બાંકે બિહારી મંદિરે ભાવિકોને કરી અપીલ

26 ઓગસ્ટના રોજ દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર ભવ્ય રીતે ઉજવવામાં આવશે. જન્માષ્ટમીના તહેવાર માટે દુનિયાભરમાંથી લોકો મથુરા પહોંચે છે. જો તમે પણ જન્માષ્ટમી પર મથુરા-વૃંદાવન જવાનું વિચારી રહ્યા છો, તો તમારે કેટલીક મહત્વપૂર્ણ વાતો જાણી લેવી જોઈએ.
આજથી જ મથુરામાં શ્રી કૃષ્ણના જન્મસ્થળ પર જન્માષ્ટમીના અનેક કાર્યક્રમો શરૂ થઈ રહ્યા છે. આ કાર્યક્રમો આગામી ગુરુવારથી સુધી ચાલશે. શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સમિતિએ જણાવ્યું હતું કે, શાસ્ત્રીય નિયમો અને પરંપરાઓ અનુસાર 26 ઓગસ્ટ 2024ને સોમવારે શ્રાવણ વદ આઠમની ઉજવણી કરવામાં આવશે.
વૃંદાવનમાં 27 મીએ જન્માષ્ટમીની ઉજવણી:
ખાનગી સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર મથુરામાં શ્રી કૃષ્ણના જન્મસ્થળ સહિત તમામ મુખ્ય મંદિરોમાં 26 ઓગસ્ટની મધ્યરાત્રિએ કૃષ્ણ જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવશે જ્યારે વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં 27મી ઓગસ્ટની રાત્રે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે. આથી અહીં આવતા શ્રદ્ધાળુઓ બે કે તેથી વધુ દિવસ સુધી જન્માષ્ટમીના પર્વની ઉજવણીને માણી શકશે.
આ પણ વાંચો : Janmashtami special: ભગવાન કૃષ્ણ સાથે આ ત્રણ સ્થળો કાયમ માટે અમર થઈ ગયા
મંદિર પ્રશાસને ભક્તોને કરી અપીલ:
બાંકે બિહારી મંદિર પ્રશાસને ભક્તોને જન્માષ્ટમીના પ્રસંગે ખાસ અપીલ કરી છે : જેમાં ભાવિકોને નાના બાળકો, વૃદ્ધો, અપંગો અને દર્દીઓને મંદિરમાં લાવવાનું ટાળવા માટેની અપીલ કરવામાં આવી છે. જાહેર કરાયેલી નોટિસમાં મંદિર પ્રશાસને લોકોને વૃંદાવન આવતા પહેલા અહી જામેલી ભીડનું મૂલ્યાંકન કરવા કહ્યું છે અને જો ભીડ વધુ હોય તો અન્ય સમયે આવવાનું આયોજન કરવાની અપીલ કરવામાં આવી છે.
કૃષ્ણ જન્મસ્થાન મંદિર 20 કલાક ખૂલું રહેશે:
શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સમિતિના સચિવ કપિલ શર્માએ જણાવ્યું હતું કે સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે જન્માષ્ટમીના દિવસે મંદિર 20 કલાક ખુલ્લું રાખવામાં આવશે. સોમવારે ભગવાનના દર્શન સવારે 5.30 વાગ્યે શરણાઈ અને નગારા સાથે શરૂ થનારી ભગવાનની મંગળા આરતીથી થશે. સવારે આઠ વાગ્યે ભગવાનનો પંચામૃત અભિષેક થશે.
જન્માભિષેકનો મુખ્ય કાર્યક્રમ રાત્રે 11 વાગ્યે શરૂ થશે અને ભગવાનના જન્મની મહા આરતી રાત્રે 00.10 વાગ્યા સુધી ચાલશે. જન્માષ્ટમીની સાંજે શ્રી કૃષ્ણ લીલા મહોત્સવ સમિતિ દ્વારા ભરતપુર દરવાજાથી પરંપરાગત શોભાયાત્રા કાઢવામાં આવશે જે હોલીગેટ, છટ્ટા બજાર, સ્વામી ઘાટ, ચોક બજાર, મંડી રામદાસ, દેગ ગેટ થઈ શ્રી કૃષ્ણ જન્મસ્થળ પહોંચશે.