પાક.માં પાંચ વોન્ટેડ આતંકવાદીઓ ઠાર
પેશાવર: ઉત્તર-પશ્ર્ચિમ પાકિસ્તાનમાં એક ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો સાથેની અથડામણમાં પાંચ વોન્ટેડ આતંકવાદીઓ ઠાર મરાયા હોવાનું પાકિસ્તાની સેનાએ શનિવારે જણાવ્યું હતું.
આ ઘટના શુક્રવારે દક્ષિણ વઝીરિસ્તાનની સરહદે આવેલા ટાંક જિલ્લામાં બની હતી. જ્યાં સુરક્ષા દળોએ આતંકવાદીઓની હાજરીની બાતમીના આધારે ઓપરેશન શરૂ કર્યું હતું. આર્મીની મીડિયા વિંગના ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સના જણાવ્યા મુજબ આ ભીષણ ગોળીબારમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષા દળોએ ઠાર મરાયેલા આતંકવાદીઓના કબ્જામાંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. માર્યા ગયેલા આતંકવાદી દળો પરના હુમલાઓ, ટાર્ગેટ કિલિંગ અને પૈસાની ઉચાપત માટે ફોર્સ દ્વારા વોન્ટેડ હતા. હજુ વધુ આતંકવાદીઓની હાજરી હોવાથી વિસ્તારમાં ક્લિયરન્સ ઓપરેશન ચાલુ છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન
તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને ગયા વર્ષે નવેમ્બરમાં સરકાર સાથેનો યુદ્ધવિરામ સમાપ્ત કર્યા બાદ તાજેતરના મહિનાઓમાં ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન પ્રાંતોમાં આતંકવાદી પ્રવૃત્ત્ઓિમાં વધારો જોવા મળ્યો છે. પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ફોર કોન્ફિલક્ટ એન્ડ સિક્યોરિટી સ્ટડીઝના ડેટા અનુસાર દેશમાં ગયા મહિને રાજય વિરોધી હિંસામાં ૩૪ ટકાનો વધારો થયો છે. ડેટામાં ખૈબર પખ્તુનખ્વાને સૌથી વધુ અસરગ્રસ્ત પ્રાંત તરીકે દર્શાવાયો છે.