મેક્સિકોમાં ત્રણ પત્રકાર સહિત પાંચનું અપહરણ
મેક્સિકો શહેર: અહીંથી ત્રણ પત્રકાર અને તેઓના બે સગાં મળીને કુલ પાંચ જણનું અપહરણ કરાયું હતું. હિંસાગ્રસ્ત મેક્સિકો પત્રકારો માટે સૌથી જોખમી રાષ્ટ્રોમાંનું એક ગણાય છે.
દક્ષિણ ગુર્રેરોમાંની પ્રૉસિક્યૂટર્સ ઑફિસે બુધવારે જણાવ્યું હતું કે પર્યટકોમાં લોકપ્રિય ટેક્સકોમાંથી રવિવારથી બુધવાર સુધીના સમયગાળા દરમિયાન પાંચ જણનું અપહરણ કરાયું હતું. એક પત્રકારનું રવિવારે તેની પત્ની અને પુખ્ત વયના દીકરાની સાથે અપહરણ કરાયું હતું.
એક પતિ અને પત્નીનું (પત્રકારોની ટીમનું) બુધવારે અપહરણ કરાયું હતું.
સમાચાર માટેની એક ઓનલાઇન સાઇટે જણાવ્યું હતું કે ટેક્સકોમાંના અમારા પત્રકાર માર્કો એન્ટિનો ટોલેડોને કેફી પદાર્થો વેચનારા લોકો તરફથી ચાલુ વર્ષની શરૂઆતમાં ધમકી મળી હતી અને તેઓએ પોતાનો અહેવાલ પ્રસિદ્ધ કરવા સામે ચેતવણી આપી હતી.
પત્રકાર માર્કો એન્ટિનો ટોલેડોએ તાજેતરમાં એક ભ્રષ્ટાચારના કેસનો પર્દાફાશ કર્યો હતો.
પત્રકાર માર્કો એન્ટિનો ટોલેડો, તેની પત્ની અને દીકરાનું તેઓના ઘરમાંથી જ સશસ્ત્ર લોકોએ અપહરણ કર્યું હતું અને ત્યારથી તેઓ ક્યાં છે, તેની કોઇ જાણકારી નથી.
સમાચારની એક અન્ય સાઇટ માટે કામ કરી રહેલા પત્રકાર દંપતી – સિલ્વિયા નાયસા આર્સે અને અલ્બર્ટો સાન્ચેઝનું પણ અપહરણ કરાયું હતું. (એજન્સી)