અયોધ્યાનો ચુકાદો આપનાર પાંચ જજને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા આમંત્રણ
૫૦ વકીલ તેમ જ જજોને પ્રાણપ્રતિષ્ઠા માટે આમંત્રણ
અયોધ્યા: રામજન્મભૂમિ બાબરી મસ્જિદ મામલે ચુકાદો આપનાર બંધારણીય બેંચમાં સામેલ પાંચ જજ પણ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનશે.
રામજન્મભૂમિ મામલે ચુકાદો આપનાર બેંચનું નેતૃત્વ તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કર્યું હતું. આ ઉપરાંત પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એસએ બોબડે, હાલના સીજીઆઇ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીર પણ બેંચનો ભાગ હતા.
એક અહેવાલ અનુસાર દેશભરના જાણીતા ૫૦ વકીલો તેમજ જજોને પ્રાણપ્રતિષ્ઠા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેમાં અનેક પૂર્વ ચીફ જસ્ટિસ અને જાણીતા વકીલ પણ સામેલ છે. ખાસ કરીને ૯ નવેમ્બર, ૨૦૧૯નાં રોજ રામજન્મભૂમિ મામલે ચુકાદો આપનાર જજની હાજરી મહત્ત્વની રહેશે. કોર્ટે વિવાદિત ભૂમિનો સંપૂર્ણ ભાગ રામલલાને આપવાનો ચુકાદો આપ્યો હતો. તેમજ મુસ્લિમ પક્ષને અયોધ્યામાં બીજી જગ્યાએ ૫ એકર જમીન મસ્જિદ બનાવવા માટે આપવાનો આદેશ આપ્યો હતો. હિન્દુ પક્ષનો દાવો હતો કે અયોધ્યામાં જે જગ્યાએ બાબરી મસ્જિદ હતી ત્યાં જ ભગવાન રામનો જન્મ થયો હતો. બાબરી મસ્જિદ પ્રાચીન રામ મંદિરને તોડીને બનાવવામાં આવી હતી. તેથી તે જ જગ્યાએ રામ મંદિર બનવું જોઇએ એ દાવાને કોર્ટે યોગ્ય ગણાવ્યો હતો.