
નવા વર્ષ 2024ની શરૂઆત થઈ ગઇ છે. આજે વર્ષના પ્રથમ દિવસે દેશભરમાં ઉજવણીનો માહોલ છે. લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા છે. લોકો મંદિરો અને ગુરુદ્વારા સહિત તમામ ધર્મસ્થળો પર પ્રણામ અને પૂજા કરવા પહોંચી રહ્યા છે. એક સમયે આતંકવાદના પડછાયામાં ઘેરાયેલા જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના લાલ ચોકમાં લોકોએ નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરી છે. એ જ રીતે નવી દિલ્હી, ગોવા, મુંબઈ, લખનૌ, અયોધ્યા, નોઈડા, ભોપાલ, બેંગલુરુમાં લોકોએ નવા વર્ષનું સ્વાગત કર્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં આ સમયે તીવ્ર ઠંડી જોવા મળી રહી છે. શૂન્યથી નીચે તાપમાન હોવા છતાં પણ, નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સેંકડો સ્થાનિકો અને પ્રવાસીઓ શ્રીનગરના લાલ ચોકમાં ઘંટા ઘર પહોંચ્યા હતા. અહીં નવા વર્ષની ઉજવણી 2023 ની છેલ્લી સાંજથી શરૂ થઈ હતી અને મધ્યરાત્રિ 12 સુધી ચાલુ રહી હતી. 2019 પહેલા, ઘંટા ઘર ખાતે યોજાયેલી બેઠકો મોટાભાગે વિરોધ અથવા અલગતાવાદી ઘટનાઓ સાથે સંબંધિત હતી, પરંતુ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અહીંનું વાતાવરણ અલગ અને નવું હતું, જેમાં દેશપ્રેમની જ્શ માટે ગર્વ લેવાની લાગણી જોવા મળતી હતી. થોડા વર્ષો પહેલા સુધી કાશ્મીરમાં સાર્વજનિક સ્થળે નવા વર્ષની પાર્ટી કરવી અકલ્પનીય હતી પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. માત્ર શહેરના રહેવાસીઓ જ નહીં, પરંતુ ખીણના અન્ય ભાગોમાંથી પણ કાશ્મીરીઓ નવા વર્ષની ઉજવણીનો આનંદ માણવા શ્રીનગર આવ્યા છે. દેશની બીજી જગ્યાની સરખામણીએ કાશ્મીરમાં વધારે ઠંડી છે, છતાં પણ અહીં લોકો ઉત્સાહભેર નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, કાયદા અમલીકરણ એજન્સીઓ લાલ ચોકની આસપાસ કડક નજર રાખી રહી છે. અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે સ્થાનિકો અને પ્રવાસીઓ અહીં સારો સમય પસાર કરે અને દરેક સારી યાદો સાથે વિદાય લે.

ગોવાઃ અહીં નવા વર્ષની ઉજવણી કરવા અડધી રાત્રે દરિયાકિનારા પર લોકોની ભીડ ઉમટી હતી. નવા વર્ષની ઉજવણી કરવા ગોવામાં દેશ-વિદેશના પ્રવાસીઓ આવી પહોંચ્યા છે, તેથી મધ્યરાત્રિએ ચર્ચોમાં ભીડ જોવા મળી હતી. ગોવામાં 105 કિલોમીટર લાંબો દરિયાકિનારો છે. 2023ના છેલ્લા સૂર્યાસ્તની ઝલક જોવા માટે પ્રવાસીઓ રવિવારે સાંજે દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચી ગયા હતા. દરિયાકિનારા પર હજારો પ્રવાસીઓએ નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. 2024નું કાઉન્ટડાઉન શરૂ થતાં જ પ્રવાસીઓ દરિયાકિનારા પર ઉમટી પડ્યા હતા. ગોવાની પરંપરાને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ ચર્ચમાં મધ્યરાત્રિએ સામૂહિક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘંટ વગાડીને નવા વર્ષની શરૂઆત કરી હતી. લોકોએ દરિયા કિનારે ફટાકડા ફોડીને તેમ જ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ આપીને ઉજવણી કરતા જોવા મળતા હતા.

મુંબઈના લોકોએ પણ નવા વર્ષ 2024ની ઉજવણી કરી હતી. ગેટવે ઓફ ઈન્ડિયા, મરીન ડ્રાઈવ, ગિરગાંવ ચોપાટી અને અન્ય સ્થળોએ રવિવારે રાત્રે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે નવા વર્ષની ઉજવણી કરવા હજારો લોકો એકઠા થયા હતા.

ઘણા લોકોએ પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. વિવિધ મંદિરો અને ચર્ચ સહિત ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં લોકો પ્રાર્થના કરવા માટે આવ્યા હતા. થાણેમાં, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાત્રે રક્તદાન શિબિરમાં ભાગ લઈને નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે તેમણે લોકોને શુભેચ્છા પાઠવી હતી. મુંબઈવાસીઓ નવા વર્ષની ઉજવણીમાં જોડાવા માટે વિવિધ જાહેર સ્થળોએ પરિવાર અને મિત્રો સાથે ભેગા થયા હતા. શહેરની વિવિધ હાઉસિંગ સોસાયટીઓ અને બિલ્ડીંગોની ટેરેસ પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરમાં રેસ્ટોરન્ટ અને બાર મોડી રાત સુધી ગ્રાહકોથી ભરેલા રહ્યા હતા. નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણી માટે દક્ષિણ મુંબઈ અને અન્ય સ્થળોએ મુસાફરી કરતા લોકોના ધસારાને ધ્યાનમાં રાખીને રેલવેએ પણ સ્પેશિયલ ટ્રેનો દોડાવી હતી. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. હેલ્મેટ વગરના ટુ-વ્હીલર ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. નશામાં ડ્રાઇવિંગ અને અન્ય ઉલ્લંઘન બદલ કેટલાક ડ્રાઇવરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.