સિયાચીનમાં પહેલો મોબાઇલ ટાવર નખાયો, સેનાના જવાનોને મળશે 4G નેટવર્ક
દુનિયાના સૌથી ઉંચા યુદ્ધ મેદાન સિયાચિન ગ્લેશિયરમાં પહેલો મોબાઇલ ટાવર પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. ભારત સંચાર નિગમ લિમિટેડના સહયોગથી ભારતીય સેનાના જવાનોએ આ ટાવર લગાવ્યો છે. પહેલા મોબાઇલ કનેક્ટિવીટી ફક્ત બસ કેમ્પ સુધી જ હતી પરંતુ હવે ટાવર લાગ્યા બાદ પોસ્ટ પર તૈનાત કોઇપણ જવાન મોબાઇલ વડે સંપર્ક સાધી શકે છે.
સિયાચીન કે.કુમાર પોસ્ટ ઉત્તર ગ્લેશિયરમાં છે જ્યાંની ઉંચાઇ 15,600 ફૂટ જેટલી છે. અહીં પહોંચવા માટે કોઇ સડક નથી. સેનાએ મોબાઇલ ટાવર 6 ઓક્ટોબરે લગાવ્યો હતો. આ ટાવર લાગી જવાથી દુર્ગમ વિસ્તારમાં તૈનાત જવાન સરળતાથી પોતાના પરિવાર સાથે વાતચીત કરી શકે છે.
આ ટાવરને લીધે સેનાના જવાનોને 4G નેટવર્ક મળશે. મોબાઇલ ટાવરની રેન્જ 3થી 4 કિલોમીટર સુધીની છે. સેનાની યોજના છે કે હજુ ઘણા વિસ્તારોમાં આવા ટાવર લગાવવામાં આવે. જેથી સિયાચીનના દરેક વિસ્તારોમાં નેટવર્ક વ્યવસ્થા સુધરે.