હળવદમાં કોર્ટના પરિસરની બહાર ગોળીબાર: છરીઓ મરાઇ
અમદાવાદ: મોરબી જિલ્લાની હળવદ કોર્ટ પરિસર બહાર ફાયરિંગની ઘટના બની હતી. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ મિસ ફાયરની ઘટના હતી. છોકરી બાબતે માથાકુટ થઈ હોવાનું અને મિસ ફાયર થયેલી કારતૂસ જપ્ત કર્યા હોવાનું જણાવ્યુ હતું. મોરબી જિલ્લાના હળવદ તાલુકાની કોર્ટમાં ફાયરિંગની ઘટના ઉપરાંત તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. પ્રદ્યુમનસિહ પરમાર,પંકજસિહ પરમાર નામના વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. કોર્ટ મુદ્દતમાંથી પરત ફરતી વેળાએ આ હુમલો કરાયો હતો. ત્રણથી વધુ શખ્સોએ મોટરસાઇકલ પર આવી હુમલાને અંજામ આપ્યો હતો. ઈજાગ્રસ્તો જીવ બચાવવા કોર્ટમાં દોડી ગયા હતા. હુમલાની ઘટના બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.