કેનેડામાં હિંદુ નેતાના પુત્રના ઘર પર ગોળીબાર
સરે: કેનેડામાં હિન્દુ ધર્મ પર ફરી વધુ એક પ્રહાર થયાના સમાચાર સામે આવ્યા છે. કેનેડાના સરેમાં હિન્દુ મંદિરના પ્રમુખ સતીશ કુમારના પુત્રના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. અગાઉ પણ ટોરોન્ટોમાં હિન્દુને મંદિરને નુકશાન પહોંચાડવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. કેનેડામાં ભારત અને હિન્દુ વિરોધી તત્ત્વો બેકાબૂ બની રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર હુમલો ૨૭ ડિસેમ્બરના રોજ સવારે ૮-૩૦ વાગ્યે ૮૦ એવન્યુના ૧૪૯૦૦ બ્લોકમાં થયો હતો. હુમલામાં ૧૫ રાઉન્ડ ફાયરીંગ કરી આરોપીઓ નાસી છૂટ્યા હતા. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી)ના નિવેદન અનુસાર જે ઘર પર હુમલો થયો તે લક્ષ્મી નારાયણ મંદિરના પ્રમુખ સતીશ કુમારના મોટા પુત્રનું છે. ગોળીબારમાં ઘરને નુકશાન પહોંચ્યું હતું. જોકે સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળે પુરાવાઓની તપાસ કરી સક્ષીઓ સાથે વાતચીત કરી હતી.
આ અંગે સતીશ કુમારે જણાવ્યું હતું કે, પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આ મામલે વધુ તપાસની રાહ જોઇ રહ્યા છીએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, હથિયારો લઇને આવેલા અજાણ્યા લોકોએ તેમના પુત્રના ઘર પર ગોળીબાર કર્યો હતો અને તે વિસ્તારમાંથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ હુમલા બાદ ભારતે કેનેડેમાં રહેતા હિન્દુઓની સુરક્ષા અંગે ચિંતા વ્યકત કરી છે. નોંધનીય છે કે આ વિસ્તારને ખાલિસ્તાની કટ્ટરપંથીઓનો અડ્ડો માનવામાં આવે છે. ગત સપ્ટેમ્બરમાં પણ ટોરોન્ટોમાં એક મોટા હિન્દુ મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવાનો મામલો સામે આવ્યો હતો.