
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના લોકપ્રિય પર્યટન કેન્દ્ર ડલ લેકમાં શનિવારે સવારે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં કરોડો રૂપિયાની સંપત્તિ બળીને રાખ થઈ ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી.
ફાયર અને ઈમરજન્સી સર્વિસ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર ડલ લેકના ઘાટ નંબર 9 પાસે સવારે લગભગ 5.15 વાગ્યે આગ લાગી હતી. આ ઘટનામાં ઓછામાં ઓછી પાંચ હાઉસબોટ અને ત્રણ ઝૂંપડીઓને નુકસાન થયું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આ ઘટનામાં કરોડો રૂપિયાની સંપત્તિનું નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસે કેસ નોંધી લીધો છે અને આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
શ્રીનગરના ડીસી આગ પીડિતોને મળ્યા હતા અને તેમને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. તેમણે કહ્યું હતું કે પીડિતોને અસ્થાયી આશ્રય ગૃહોમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના સમયે હાઉસબોટમાં રહેતા લોકોની સાથે ઘણા પ્રવાસીઓ પણ હાજર હતા.