વૈશાલી એક્સપ્રેસમાં આગ, ઈજાગ્રસ્ત પ્રવાસીને હોસ્પિટલમાં ખસેડાયાં

ઇટાવાઃ ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં મોડી રાતે વૈશાલી એક્સપ્રેસના એક કોચમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેમાં ઈજાગ્રસ્ત પ્રવાસીને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આગ લાગ્યા બાદ પ્રવાસીઓએ ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. યુપીમાં 12 કલાકમાં ટ્રેનમાં આગ લાગવાનો ત્રીજો બનાવ બન્યો છે.
આ અંગે રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હીથી સહરસા જતી વૈશાલી એક્સપ્રેસ (12554ના બાથરૂમમાં એકાએક આગ લાગી હતી. કોચમાં કોઈ નુકસાન થયું નહોતું. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી અને આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. દિલ્હીથી સહરસા જઈ રહેલી વૈશાલી એક્સપ્રેસના S6 કોચમાં આગ લાગી હતી. બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આ ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આગ લાગ્યાના બનાવ પછી વૈશાલી એક્સપ્રેસને થોડા સમય માટે હોલ્ટ આપવામાં આવ્યો હતો. આ આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. જોકે, આગ લાગ્યા પછી શ્વાસમાં લેવામાં તકલીફ થવાને કારણે અમુક પ્રવાસીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ અગાઉ બુધવારે સાંજે પણ દરભંગા જતી ટ્રેનના ત્રણ બોગીમાં આગ લાગી હતી. આગ સ્લીપર કોચ અને બે જનરલ કોચમાં આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ટ્રેનની ત્રણેય બોગીને ટ્રેનથી અલગ કરી દેવામાં આવી હતી, જે બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે ટ્રેનને લાંબા સમય સુધી રોક્યા બાદ મુસાફરોને અન્ય કોચમાં મોકલવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ ત્રણ કોચમાં 500થી વધુ પ્રવાસી મુસાફરી કરી રહ્યા હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રવાસીઓએ જણાવ્યું હતું. જોકે, રેલવે કર્મચારીઓનું કહેવું છે કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્લામાં 12 કલાકમાં ટ્રેનમાં આગ લાગવાની આ ત્રીજી ઘટના બની છે.