બંગલાદેશની રાજધાનીમાં સાત માળની ઈમારતમાં આગ: ૪૬નાં મોત
ઢાકા: બંગલાદેશની રાજધાની ઢાકામાં સાત માળની એક કમર્શિયલ ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા ૪૬ લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય ૨૨ લોકો જખમી છે, એમ આરોગ્ય પ્રધાને શુક્રવારે માહિતી આપી હતી.
ગુરુવારે રાતે લાગેલી આગમાં રાજધાનીના બેઈલી રોડ વિસ્તારમાં ગ્રીન કોઝી કોટેજ બિલ્ડિંગમાં આગ લાગી હતી, જેમાં કેટલીક રેસ્ટોરન્ટ અને દુકાનો આવેલી છે. ગુરુવારે રાતે ૯.૫૦ વાગ્યે આ બિલ્ડિંગના પહેલા માળે આવેલી ‘કચ્છી ભાઈ’ રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી અને તે ઉપરના માળ પર ફેલાઈ હતી, જ્યાં અન્ય રેસ્ટોરન્ટ્સ અને કપડાની દુકાનો આવેલી હતી એમ ફાયર સર્વિસના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આરોગ્ય પ્રધાન સામંતા લાલ સેને કહ્યું હતું કે મધરાત બાદ બે વાગ્યે ૩૩ મૃતદેહ ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલ (ડીએમસીએચ)માં લાવવામાં આવ્યા હતા અને અન્ય ૧૦ને શેખ હસીના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓપ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરીમાં લઈ જવામાં આવ્યા હતા. એક વ્યક્તિનું મૃત્યુ પોલીસ હોસ્પિટલમાં થયું હતું.
આગમાં જખમી લોકોની હાલત ગંભીર છે, એમ તેમણે પત્રકારોને કહ્યું હતું.
અન્ય એક દાઝેલી વ્યક્તિનું મોત ડીએમસીએચના ઈન્ટેન્સિવ કેર યુનિટ (આઈસીયુ)માં સારવાર દરમિયાન થયું હતું, એમ ઢાકાના ડેપ્યુટી કલેક્ટર (એનડીસી) મોસ્તફા અબ્દુલ્લા અલ નૂર (નેઝારત) દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આની સાથે જ મૃતકોનો આંકડો ૪૬ પર પહોંચ્યો છે, એમ નૂરે કહ્યું હતું.
કમર્શિયલ ઈમારતમાં લાગેલી આગના બનાવ પર વડા પ્રધાન શેખ હસીના દેખરેખ રાખી રહ્યા છે, એમ આરોગ્ય પ્રધાને કહ્યું હતું.
ફાયર અધિકારીઓના જણાવ્યા મુજબ બેભાનાવસ્થામાં રહેલા ૪૨ લોકો સહિત કુલ ૭૫ લોકોને ઈમારતમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ૧૩ ફાયર સર્વિસ યુનિટને કાર્યરત કરવામાં આવ્યા હતા.
બંગલાદેશના આરોગ્ય પ્રધાન કે જેઓ પોતે બર્ન સ્પેશિયાલિસ્ટ છે તેમણે કહ્યું હતું કે ૨૨ લોકોને બંને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને તેમની સ્થિતિ ગંભીર છે.
બચી ગયેલા લોકોના શ્ર્વસનતંત્રને ગંભીર ઈજા થઈ છે, એવી માહિતી તેમણે આપી હતી.
બીજી તરફ ડોક્ટરોએ એવી માહિતી આપી છે કે કેટલાક મૃતદેહો ઓળખી ન શકાય એટલી હદે સળગી ગયા છે. તેમણે એવી ચિંતા વ્યક્ત કરી હતી કે મૃતકનો આંકડો વધી શકે છે.
નજરે જોનારા સાક્ષીઓ અને અધિકારીઓએ કહ્યું હતું કે આગમાંથી બચવા માટે કેટલાક લોકો ઉપરના માળાઓ પર દોડી ગયા હતા અને તેમને ફાયર બ્રિગેડ દ્વારા સીડીઓની મદદથી બચાવી લીધા હતા.
આઈજીપી ચૌધરી અબ્દુલ્લા અલ મામુને આ પહેલાં પત્રકારોને એવી માહિતી આપી હતી કે ૪૪ લોકોનાં મોત થયાં હતાં અને ૭૫ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ઉગારી લેવામાં આવેલા કેટલાક લોકોને ફક્ત પ્રાથમિક સારવાર આપીને ઘરે જવા દેવામાં આવ્યા હતા.
તેમણે એવી પણ માહિતી આપી હતી કે મૃતકોમાં પોલીસ અધિકારીની પુત્રીનો પણ સમાવેશ થાય છે.
ફાયર સર્વિસના ડીજીમોઈને કહ્યું હતું કે બેભાનાવસ્થામાં બહાર કાઢવામાં આવેલા ૪૨ લોકોમાં ૨૧ મહિલા અને ચાર બાળકોનો સમાવેશ થતો હતો.
તેમણે એવી પણ માહિતી આપી હતી કે આ અત્યંત જોખમી ઈમારત હતી તેના દરેક મજલે અને સ્ટેરકેસમાં પણ ગેસના સિલિન્ડરો રાખવામાં આવ્યા હતા.
તેમનું માનવું છે કે આગની શરૂઆત ગેસ ગળતરને કારણે અથવા સ્ટોવને કારણે થઈ હોવી જોઈએ. આ ઈમારતમાં બહાર નીકળવાનો ફક્ત એક જ રસ્તો દાદર હતો. મોટા ભાગના લોકોનાં મોત બચવા માટે ઈમારતમાંથી કૂદકો મારવાને કારણે, સળગી જવાને કારણે અથવા તો ગુંગળામણને કારણે થયા હતા. મધરાત બાદ ૧૨.૩૦ વાગ્યા સુધીમાં આગ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું હતું એવો દાવો તેમણે કર્યો હતો.
સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ રાતે એક વાગ્યે પહેલા મૃત્યુની નોંધ થઈ હતી, જ્યારે ઈમારતમાંથી ફાયર જવાનોએ મૃતદેહને બહાર ઊભેલી ફ્રિઝીંગ ટ્રકમાં મૂક્યો હતો.
બનાવની તપાસ કરવા માટે પાંચ સભ્યોની સમિતિ ગઠિત કરવામાં આવી છે.
બંગલાદેશમાં ઈમારતો અને ફેક્ટરીઓમાં આગ લાગવાના બનાવ અત્યંત સામાન્ય છે કે મકે સુરક્ષાના નિયમો ઘણા હળવા છે.
૨૦૨૩ના વર્ષમાં બંગલાદેશમાં કુલ ૨૭,૬૨૪ આગના બનાવો નોંધાયા હતા, જેમાં ૧૦૨ લોકોનાં મોત થયાં હતાં અને ૨૮૧ લોકો જખમી થયા હતા. આમાંથી મોટા ભાગની આગ શોર્ટ સર્કિટ, સળગતી સિગારેટ, ઓવન અને ગેસ પાઈપલાઈનમાં ગળતરને કારણે લાગી હતી.
જુલાઈ-૨૦૨૧માં ફૂડ પ્રોસેસિંગ ફેક્ટરીમાં લાગેલી આગમાં બાળકો સહિત ઓછામાં ઓછા બાવન (૫૨) લોકોનાં મોત થયાં હતાં.
ફેબ્રુઆરી-૨૦૧૯માં ઢાકાની રહેણાંક ઈમારતમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા ૭૦ લોકોનાં મોત થયાં હતાં. (એજન્સી)