
નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશના યેલામાંચિલી વિસ્તારમાં ટાટા – એર્નાકુલમ એક્સપ્રેસના બે કોચમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક મુસાફરનું મૃત્યુ થયું છે. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ફોરેન્સિક તપાસ શરૂ કરવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે, બે કોચમાં આગ લાગી હતી. એકમાં 82 અને બીજામાં 76 મુસાફરો હતા.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તેમને ટ્રેનમાં આગ લાગ્યાની સૂચના મોડી રાત્રે 12.45 કલાકે મળી હતી. દુર્ઘટનાની આગમાં બી-1 કોચમાંથી એક મૃતદેહ મળ્યો છે. મૃતકની ઓળખ ચંદ્રશેખર સુંદરમ તરીકે થઈ છે. દુર્ઘટના બાદ આગથી પ્રભાવિત બંને કોચને ટ્રેનથી અલગ કરવામાં આવ્યા હતા અને એર્નાકુલમ રવાના કરવામાં આવ્યા હતા. દુર્ઘટનાગ્રસ્ત કોચના મુસાફરોને પણ ગંતવ્ય સ્થાન તરફ રવાના કરવામાં આવ્યા હતા. બે ફોરેન્સિક ટીમ આગનું કારણ જાણવાની કોશિશ કરી રહ્યું છે.
બી-1 અને એમ-2 કોચમાં આગ લાગી હતી. રાતે મુસાફરો ઉંઘી રહ્યા હતા ત્યારે આગ લાગી હતી. લોકો પાયલટને આગ લાગ્યાની જાણ થતાં જ ટ્રેન થોભાવી દીધી હતી. ફાયરબ્રિગેડને સૂચના આપવામાં આવી હતી. ફાયરબ્રિગેડ પહોંચ્યું ત્યાં સુધીમાં બંને કોચ બળીને ખાખ થઈ ગયા હતા. દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ અને તે ઉપરાંત અન્ય કેટલાક મુસાફરોને સાધારણ થઈ છે. જોકો મુસાફરોનો તમામ સામાન બળી ગયો હતો. દુર્ઘટનાના કારણે વિશાખાપટ્ટનમથી વિજયવાડા રૂટ પર દોડતી તમામ ટ્રેન રદ્દ કરવામાં આવી હતી.



