
જયપુર: રાજસ્થાનના પાટનગર જયપુરના સવાઇ માનસિંહ હોસ્પિટલમાં એક મોટી દુર્ઘટના સર્જાય હતી. હોસ્પિટલમાં આગ લાગવાથી 6 દર્દીઓના મોત થયા હતા, જેમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે. આ દુર્ઘટના ટ્રોમા સેન્ટર નજીક ન્યૂરો આઈસીયુ વોર્ડના સ્ટોરમાં સર્જાય હતી.
મળતી વિગતો અનુસાર, જયપુરની સવાઈ માનસિંહ (SMS) હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં રવિવારે રાત્રે ભીષણ આગ લાગવાની દુઃખદ ઘટના બની હતી, જેમાં અત્યાર સુધીમાં ૬ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ આગ ટ્રોમા સેન્ટરના બીજા માળે આવેલા ICU વોર્ડમાં લાગી હતી, જ્યાં ઘટના સમયે ઘણા ગંભીર દર્દીઓ દાખલ હતા. આગ લાગતાં જ હોસ્પિટલ પરિસરમાં ભારે અફરા-તફરી મચી ગઈ હતી અને દર્દીઓને તાત્કાલિક સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ હતી.
સ્થિતિ એટલી ગંભીર હતી કે ઘણા સમય સુધી દર્દીઓને હોસ્પિટલની બહાર રસ્તા પર રાખવા પડ્યા હતા. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની લગભગ એક ડઝન ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ, હોસ્પિટલ પ્રશાસન અને દમનકારીઓએ મળીને ICUમાંથી ૧૧ દર્દીઓને બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટનામાં ચારથી પાંચ દર્દીઓને બર્ન ઇન્જરી થતાં તેમની હાલત ગંભીર છે, જ્યારે હોસ્પિટલના ચાર-પાંચ કર્મચારીઓ પણ ધુમાડા (સ્મોક) ના કારણે બીમાર પડ્યા છે.
જયપુર પોલીસ કમિશનર બીજુ જ્યોર્જ જોસેફના જણાવ્યા અનુસાર, FSL ટીમની તપાસ બાદ જ આગ લાગવાના ચોક્કસ કારણની પુષ્ટિ થશે, જોકે પ્રાથમિક દૃષ્ટિએ શોર્ટ સર્કિટ જવાબદાર હોવાનું જણાય છે. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા, નાયબ મુખ્ય પ્રધાન પ્રેમચંદ બૈરવા અને મંત્રીઓ સહિતના અધિકારીઓએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. બીજી તરફ, કોંગ્રેસના ધારાસભ્ય રફીક ખાને હોસ્પિટલ પ્રશાસનના બિનજવાબદાર વલણ પર આકરા પ્રહારો કર્યા હતા.
આ પણ વાંચો…ગિરગામમાં વડાપાંઉની દુકાનમાં આગ: સિલિન્ડરનો સ્ફોટ થતા બચી જતા મોટી દુર્ઘટના ટળી