દિલ્હીના કનોટ પ્લેસના બિલ્ડિંગમાં ભીષણ આગ
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીની મધ્યમાં આવેલા કનોટ પ્લેસને દિલ્હીનું હાર્ટ કહેવામાં આવે છે. અહીં ઘણી મોટી બ્રાન્ડની દુકાનો આવેલી છે. તે દેશના સૌથી મોંઘા બજારમાં પણ સામેલ છે. કનોટ પ્લેસ ખાતે આવેલા ગોપાલદાસ બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હોવાનું જાણકારી મળી છે.. માહિતી મળતા જ ફાયરની 16 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ચારે બાજુ ધુમાડો અને ચીસોનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સ્થળ પર અરાજકતાનો માહોલ છે.
મળતી માહિતી મુજબ, દિલ્હીના બારાખંબા રોડ પર સ્થિત ગોપાલદાસ બિલ્ડીંગમાં આગની ઘટના બની હતી. આગની આ ઘટના બિલ્ડિંગના 11મા માળે બની હતી. ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની 16 ગાડીઓ સ્થળ પર હાજર છે.
અગાઉ 26 ઓક્ટોબર 2016ના રોજ પણ આ જ બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ દરમિયાન બિલ્ડિંગના 16મા માળે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ વખતે 11મા માળે આગ લાગી છે. જો કે આનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે બિલ્ડિંગની અંદર ઘણા લોકો ફસાયેલા હોઈ શકે છે. ફાયર વિભાગના કર્મચારીઓ તેમને બચાવવા માટે બિલ્ડિંગની અંદર ગયા છે.