Spice Jet ના પ્રમોટર અજય સિંહ વિરુદ્ધ FIR, જાણો શું છે સમગ્ર મામલો

નવી દિલ્હી : દેશની સંકટગ્રસ્ત ખાનગી ક્ષેત્રની એરલાઇન સ્પાઇસ જેટની(Spice Jet ) મુશ્કેલીઓ વધી છે. દિલ્હી પોલીસે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે એરલાઈનના મેનેજિંગ ડિરેક્ટર અજય સિંહ અને કેટલાક અન્ય ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ FIR નોંધી હતી. હવે આ વાત મીડિયામાં જાહેર થઈ ગઈ છે. સ્પાઈસજેટના પ્રવક્તાએ આ બાબતે વિગતવાર માહિતી આપી છે.
પ્રવક્તાએ શું કહ્યું ?
સ્પાઈસજેટના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ એફઆઈઆર ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) દ્વારા નવું ભંડોળ એકત્ર કરતા પહેલા EPFOની ફરિયાદ પર દાખલ કરવામાં આવી હતી. ત્યારથી એરલાઈને તમામ બાકી પગાર અને GST બાકી ચૂકવી દીધા છે. આ સાથે 10 મહિનાના પીએફ લેણાં જમા કરીને નોંધપાત્ર પ્રગતિ થઈ છે. આ ઉપરાંત બાકી રકમની ચૂકવણીની પ્રક્રિયા ચાલી રહી છે.
શું છે EPFOની ફરિયાદ ?
EPFOની ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે કંપની PF યોગદાન તરીકે રૂપિયા 65.7 કરોડથી વધુ જમા કરાવવામાં નિષ્ફળ રહી છે. ફરિયાદ મુજબ સ્પાઈસજેટે જૂન 2022 અને જુલાઈ 2024 વચ્ચે પીએફ માટે કર્મચારીઓના પગારમાંથી 12 ટકા કપાત કરી હતી. પરંતુ જરૂરી 15-દિવસની સમય મર્યાદામાં કર્મચારીઓના પીએફ ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા ન હતા. સ્પાઈસ જેટમાં 10,000થી વધુ કર્મચારીઓ કામ કરે છે. મીડિયા અહેવાલ મુજબ, અજય સિંહ સિવાય, દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) એ સ્પાઈસ જેટના અધિકારીઓ સામે એફઆઈઆર નોંધી છે જેમાં શિવાની સિંહ (નિર્દેશક), અનુરાગ ભાર્ગવ (સ્વતંત્ર નિર્દેશક), અજય છોટાલાલ અગ્રવાલ અને મનોજ કુમારનો સમાવેશ થાય છે.