અંતે રાજસ્થાનમાં ભજનલાલ શર્માની સરકારમાં કરાઈ ખાતા ફાળવણી, CM પાસે આઠ ખાતા
જયપુર: રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને બહુમતી મળ્યા પછી ભજનલાલ શર્માની મુખ્ય પ્રધાન તરીકે પસંદગી કરવામાં આવી હતી. ભજનલાલ શર્માએ પંદરમી ડિસેમ્બરે શપથ લીધા પછી છેક 20 દિવસ પછી આજે ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. જોકે, 30મી ડિસેમ્બરે 22 પ્રધાનોએ શપથ લીધા હતા, ત્યારબાદ ખાતાની ફાળવણીની કામગીરી શરુ કરવામાં આવી હતી.
નાયબ મુખ્ય પ્રધાન પ્રેમચંદ બૈરવાને પરિવહન સહિત ચાર અન્ય ખાતા મળ્યા હતા, જ્યારે મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માએ પોતાની પાસે ગૃહ વિભાગ પોતાની પાસે રાખ્યું હતું, જ્યારે દિયા કુમારીને નાણા ખાતું ફાળવવામાં આવ્યું હતું.
રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા દ્વારા કેબિનેટ પ્રધાન પરિષદના ખાતા ફાળવણીના પ્રસ્તાવને મંજૂરી આપી હતી તેમ જ શ્રીકરણપુર વિધાનસભાના મતદાન બાદ સાંજે 6 વાગ્યા સુધીમાં તમામ પ્રધાનોને તેમના મંત્રાલય મળી જશે.
રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા પાસે ગૃહ સહિત 8 વિભાગ પોતાની પાસે રાખ્યા છે, જ્યારે ડેપ્યુટી સીએમ દિયા કુમારી પાસે નાણા સહિત 6 વિભાગ રહશે, એમ રાજ ભવનના અહેવાલમાં જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા પાસે કર્મચારી વિભાગ, આબકારી વિભાગ, ગૃહ વિભાગ, આયોજન વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ, પોલિસી મેકિંગ સેલ મુખ્યમંત્રી સચિવાલય, માહિતી અને જનસંપર્ક વિભાગ, એન્ટી કરપ્શન બ્યુરો (ACB)નો વિભાગ રહેશે.
નાયબ મુખ્ય પ્રધાન દિયા કુમારી પાસે નાણા વિભાગ, પ્રવાસન વિભાગ, કલા, સાહિત્ય, સંસ્કૃતિ અને પુરાતત્વ વિભાગ, જાહેર બાંધકામ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, બાળ સશક્તિકરણ વિભાગ રહેશે. નાયબ મુખ્ય પ્રધાન ડો. પ્રેમચંદ બૈરવા પાસે ટેકનિકલ શિક્ષણ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી (આયુષ) વિભાગ, પરિવહન અને માર્ગ સુરક્ષા વિભાગ રહેશે. આ ઉપરાંત, કિરોડીલાલ મિશ્રાને કૃષિ અને બાગાયત વિભાગ, ગ્રામીણ વિકાસ વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સહાય અને નાગરિક સંરક્ષણ વિભાગ અને જાહેર કાર્યવાહી નિવારણ વિભાગ સેંપવામાં આવ્યા છે.