આખરે ઇઝરાયલ-હમાસ વચ્ચે ચાર દિવસનો યુદ્ધવિરામ
ઇઝરાયલ ૧૩ બંધકના બદલામાં ૩૯ પેલેસ્ટિનિયનને છોડાયા
શસ્ત્રવિરામ:
હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં શુક્રવારથી ચાર દિવસના શસ્ત્રવિરામની જાહેરાત કરવામાં આવી હતી. શસ્ત્રવિરામની જાહેરાત બાદ ગાઝાપટ્ટી છોડીને ઈઝરાયલની સરહદમાં પ્રવેશી રહેલો ઈઝરાયલની સેનાનો કાફલો. (એજન્સી)
દેર અલ-બલાહ: ઇઝરાયલ-હમાસના ૪૯ દિવસના યુદ્ધ બાદ શુક્રવારથી ૪ દિવસ માટે યુદ્ધવિરામ શરૂ થયો છે. આ યુદ્ધવિરામ શુક્રવારે વહેલી સવારે અમલમાં આવ્યો હતો અને ઇઝરાયલ બંધકોના બદલામાં પેલેસ્ટિનિયનોને છોડશે તેવો કરાર કરવામાં આવ્યો છે.
કતાર, યુએસ અને ઇજિપ્તની મધ્યસ્થી બાદ ઇઝરાયલ અને હમાસ સીઝફાયર માટે સંમત થયા છે. સ્થાનિક સમય મુજબ સવારે ૭ વાગ્યે યુદ્ધવિરામ શરૂ થયો હતો અને ૪ દિવસ ચાલશે. આ સમયગાળા દરમિયાન હમાસે લગભગ ૨૪૦ બંધકોમાંથી ૫૦ને મુક્ત કરવાનું વચન આપ્યું હતું અને ઇઝરાયલ ૧૫૦ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. બન્ને પક્ષો પહેલા મહિલાઓ અને બાળકોને મુક્ત કરશે. આ કરારે આખરે યુદ્ધ સમાપ્ત થવાની આશા જગાડી છે. હમાસનું કહેવું છે કે, ૪ દિવસના યુદ્ધવિરામ દરમિયાન ગાઝા સુધી ઘણી મદદ પહોંચશે. ચારેય દિવસ ઇઝરાયલની આર્મી અને હમાસ દ્વારા કોઇ હુમલા નહીં થાય. દરરોજ ઇંધણથી ભરેલી ૪ ટ્રક અને જરૂરી ચીજવસ્તુઓ વહન કરતી ૨૦૦ ટ્રક ગાઝામાં પ્રવેશ કરશે.
કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજેદ અલ-અંસારીના જણાવ્યા અનુસાર હમાસ દ્વારા બંધક બનાવાયેલી ૧૩ મહિલાઓ અને બાળકોના પ્રથમ જૂથને શુક્રવારે બપોરે મુક્ત કરવામાં આવ્યા હતા. ઇઝરાયલના ન્યાય મંત્રાલયે મુક્ત થવા પાત્ર ૩૦૦ કેદીઓની યાદી પ્રકાશિત કરી છે. હમાસ સૈનિકોના બદલામાં મોટી સંખ્યામાં હાઇ-પ્રોફાઇલ કેદીઓની માગ કરે તેવી શક્યતા છે. હમાસ શાસિત ગાઝામાં આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઇઝરાયલી બોંબમારામાં ૧૩,૩૦૦થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. તેમ જ આશરે ૬૦૦૦ લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે, જેઓ કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.