ઇન્ટરનેશનલનેશનલ

ભારત સિવાય દુનિયાનો આ એકમાત્ર દેશ જ્યાં હિન્દી છે ‘ઓફિશિયલ લેંગ્વેજ’, જાણો તેના ૧૪૦ વર્ષ જૂના મૂળ

હિન્દી એ માત્ર બોલવાની કે લખવાની ભાષા નથી, પરંતુ એક માધ્યમ છે કે જે દેશના કરોડો લોકોને જોડે છે. ભારતમાં અનેક ભાષાઓ તેમજ બોલીઓ છે પણ સૌથી બોલવામાં કે સમજી શકાય તેવી કોઈ ભાષા કે બોલી હોય તો તે છે હિન્દી. અહેવાલો અનુસાર, વિશ્વમાં અંદાજે 61 થી 62 કરોડ લોકો હિન્દી ભાષા બોલે છે અને હિન્દી વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષાઓની યાદીમાં ત્રીજા ક્રમે આવે છે.

હિન્દી ભાષાના સન્માન માટે 10 જાન્યુઆરીને વિશ્વ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. જો કે ભારતમાં 14 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રભાષાના મુદ્દે ભારતમાં ભલે હિન્દીનો વિરોધ મચેલો હોય પરંતુ ભારત બહારનો એક એવો પણ દેશ છે કે જ્યાં ન માત્ર હિન્દી બોલવામાં આવે છે પરંતુ હિન્દી ત્યાંની ઓફિશિયલ લેન્ગવેજ પણ છે.

ભારત ઉપમહાદ્વીપની બહાર એક એવો દેશ છે, જ્યાં હિન્દીને સત્તાવાર ભાષાનો દરજ્જો મળેલો છે. તે દેશ છે ફિજી. ફિજી દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં એક ખૂબ મજાનો દ્વીપ દેશ છે અને જ્યાં હિન્દી વસ્તીના મોટા ભાગનો સાંસ્કૃતિક આધાર બની ગયો છે.

ફિજીમાં હિન્દીના મૂળિયાં રોપાયા કઈ રીતે તેનો જવાબ છેક બ્રિટિશ કાળ સુધી લઈ જાય છે. 140 વર્ષ પહેલા હજારો ભારતીયોને શેરડીના ખેતરમાં કામ કરવા માટે ગિરમીટિયા મજૂરો તરીકે ફિજી લઈ જવામાં આવ્યા હતા. આ લોકો ઉત્તર ભારતમાંથી આવ્યા હતા અને તેમની સાથે સાથે અવધી, ભોજપુરી, મગધી જેવી બોલીઓ પણ લાવ્યા હતા. સમયના વહેણમાં ભળીને આ બોલીઓ ફિજી હિન્દી બની ગઈ અને આજે મોટા પ્રમાણમાં બોલવામાં આવે છે.

૧૯૯૭માં ફિજીએ સત્તાવાર રીતે હિન્દીને તેની ત્રણ રાષ્ટ્રીય ભાષાઓમાંની એક તરીકે માન્યતા આપી, જેમાં અંગ્રેજી અને ફિજિયનનો સમાવેશ થાય છે. આ સીમાચિહ્નરૂપ નિર્ણયે ઇન્ડો-ફિજિયનોના ઐતિહાસિક અને સાંસ્કૃતિક યોગદાનને સ્વીકાર્યું, જેઓ આજે વસ્તીનો મોટો હિસ્સો ધરાવે છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે ઇન્ડો-ફિજિયન સમુદાય માટે, હિન્દી માત્ર એક ભાષા કરતાં વધુ છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button