પુત્રની કસ્ટડી માટે માતા-પિતા વચ્ચે ચાલી રહી હતી લડાઈ, બાળકની વાત સાંભળી કોર્ટે આપ્યો આવો આદેશ…
બેંગલુરુઃ બાળકની કસ્ટડીને લઈને માતા-પિતા વચ્ચે ચાલી રહેલી લડાઈ પર કર્ણાટક હાઈકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. નવ વર્ષના બાળકની કસ્ટડીને લઈને માતા-પિતા વચ્ચે કોર્ટમાં લડાઈ ચાલી રહી છે. આ મામલામાં કર્ણાટક હાઈકોર્ટે જર્મન કોર્ટના આદેશને ફગાવી દીધો છે, જેમાં માતાને બાળકના રહેઠાણ અને શાળામાં ભણવાની જગ્યા પસંદ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.
કર્ણાટક હાઇકોર્ટે બાળકને લગતી સંપૂર્ણ બાબતોને ધ્યાનમાં લીધા બાદ છોકરાની કસ્ટડી તેના બેંગકોક સ્થિત પિતાને સોંપી દીધી છે. જસ્ટિસ પીએસ દિનેશ કુમાર અને ટીજી શિવશંકર ગૌડાની ડિવિઝન બેંચે છોકરાની માતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર 29 સપ્ટેમ્બરના રોજ આ આદેશ આપ્યો હતો.
ઓડિશાનું આ દંપતી 2016માં બેંગકોકથી જર્મની શિફ્ટ થયું હતું ત્યારે તેમનું બાળક ત્રણ વર્ષનું હતું. ત્યારબાદ તેઓ 2022 જાન્યુઆરીમાં જર્મની શિફ્ટ થયા હતા. તે સમયે બંને પતિ-પત્ની વચ્ચે અણબનાવ બનતા બંનેએ અલગ થઇ જવાનું નક્કી કર્યું તે સમયે બાળકના પિતા બાળકને બેંગકોક પોતાની સાથે પરત લઇ આવ્યા ત્યારે માતાએ આ ઘટનાને જર્મન કોર્ટમાં પડકારી હતી અને કેસ કર્યો કે મારું બાળક મારી સાથે જ રહેવું જોઇએ. ત્યારે કોર્ટે ચૂકાદો કર્યો કે બાળકને ભણવાની જગ્યા પસંદ કરવાનો અને બાળક ક્યાં રહેશે તે નક્કી કરવાનો હક બાળકની માતાનો છે.
ત્યારે આ ચૂકાદાને બાળકના પિતાએ ભારતમાં કર્ણાટકની હાઇકોર્ટમાં પડકાર્યો હતો ત્યારે કોર્ટની સુનવણી દરમિયાન બાળકને કોર્ટને જણાવ્યું હતું કે મને મારા પિતા સાથે વધારે ફાવે છે. ત્યારે કર્ણાટકની હાઇકોર્ટે જર્મનીની કોર્ટના ચૂકાદાને ફગાવી દીધો અને બાળકને તેના પિતા સાથે રહેવાની પરવાનગી આપતા કહ્યું હતું કે બાળકનું હિત અને બાળકની લાગણીઓ વધારે મહત્વની છે.
જો કે હાઈકોર્ટે બાળકની માતાને 15 દિવસની આગોતરી નોટિસ અને શાળાની રજાઓમાં ત્રણ મહિનામાં એકવાર મળવાનો અધિકાર આપ્યો છે. જ્યારે પણ છોકરો તેની માતા સાથે વાત કરવા માંગે છે, ત્યારે તે તેની માતા સાથે વાત કરી શકે છે. આ સાથે હાઈકોર્ટે માતાને પુત્ર સાથે અઠવાડિયામાં બે વખત ફોન અને વીડિયો કોલ દ્વારા વાત કરવાનો અધિકાર પણ આપ્યો છે.