
દહેરાદૂન: ગરમીના વધારાની સાથે સાથે ઉતરાખંડમાં લાગેગી આગ વધુને વધુ વિકરાળ સ્વરૂપ ધરી રહી છે. એકબાજુ જંગલો બળીને રાખ થઈ રહ્યા છે ત્યારે તેની ઝપેટ હવે નૈતિનાલ હાઇકોર્ટ સુધી પહોચી ચૂકી છે. આથી આગને શમાવવાના કામમાં હવે સેનાની મદદ લેવાઈ રહી છે.
એકતરફ રાજ્યમાં આગની સમસ્યા છે ત્યારે રૂદ્રપ્રયાગ જિલ્લાના જંગલમાં આગ લગાડનાર ત્રણ લોકોની ધરપકડ કરીને જેલહવાલે કરી દેવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં વિવિધ સ્થળોએ જંગલમાં આગ લાગવાના 31 નવા બનાવો નોંધાયા હતા, જેમાં 33.34 હેક્ટર જંગલ વિસ્તાર પ્રભાવિત થયો છે. નૈનીતાલ જિલ્લા મુખ્યાલય પાસેના જંગલોમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તેની ઝપેટ છેક હાઈકોર્ટ કોલોની સુધી પહોંચી છે, ત્યારબાદ તેને કાબૂમાં લેવા માટે સેનાને બોલાવવામાં આવી હતી.
ભીષણ આગને કારણે જંગલો બળીને રાખ થઈ રહ્યા છે, નૈનીતાલના લાડિયાકાટાનું જંગલ પણ આગમાં બળીને ખાખ થઈ ગયું. જંગલમાં લાગેલી ભીષણ આગને કારણે નૈનીતાલ ભવાલી રોડ પર ગાઢ ધુમાડાને કારણે કેટલાક કલાકો સુધી વાહનોની અવરજવર બંધ કરવી પડી હતી. ભારે પવનના કારણે ફાયર વિભાગની ટીમને આગ પર કાબૂ મેળવવા કલાકો સુધી જહેમત ઉઠાવવી પડી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે જંગલમાં આગ લાગવા છતાં વન વિભાગનો કોઈ કર્મચારી કે અધિકારી ઘટના સ્થળે પહોંચી શક્યો ન હતો જેના કારણે વન વિભાગની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.
આગના વધતા જતા વિનાશની વચ્ચે, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અધિકારીઓને સતર્ક રહેવા અને તમામ વિભાગો સાથે સંકલન સાધીને તેને રોકવા માટેનાં પગલાં લેવા જણાવ્યું છે. વન વિભાગના કર્મચારીઓની સાથે આર્મીના જવાનો પણ આગ પર કાબૂ મેળવવામાં લાગ્યા છે. આગ ઓલવવા માટે હેલિકોપ્ટરની મદદ લેવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તારના રહેવાસી અને આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અનિલ જોશીએ જણાવ્યું હતું કે, “પાઈન્સની નજીક આવેલા એક જૂના અને ખાલી મકાનને આગે લપેટમાં લીધું છે. હાઈકોર્ટ કોલોનીને કોઈ નુકસાન થયું નથી પરંતુ તે ઇમારતોની નજીકમાં જોખમી રીતે ફેલાઈ ગઈ છે.” સાંજથી જ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.