બેંગલૂરુમાં ફટાકડાંની દુકાનમાં ભીષણ આગ, ૧૨ લોકોનાં મોત
મૃતકોમાં મોટાભાગના વિદ્યાર્થીઓ
બેંગલૂરુ: કર્ણાટકની રાજધાની અટ્ટીબેલેમાં એક ફટાકડાંની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. આ આગને કારણે ૧૨ લોકોનું મોત થયું છે, જ્યારે કેટલાંકને ઇજા પહોંચી હોવાની વિગતો જાણવા મળી છે. આગની જાણકારી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આગ હવે કાબૂમાં આવી છે તેવી જાણકારી સ્થાનિક પોલીસ દ્વારા આપવામાં આવી હતી.
આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આગ લાગવાનું કારણ પોલીસ શોધી રહી છે. આગની ઘટનાને પગલે કર્ણાટકના મુખ્ય પ્રધાનની ઑફિસથી દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે. આગમાં ઇજા પામેલ લોકોને નજીરની હૉસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જ્યારે આગ લાગી ત્યારે કેટલાંક કર્મચારીઓ દુકાનમાં કામ કરી રહ્યાં હતાં. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની પાંચ ગાડી અને પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. ખૂબ જ મહેનત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. આગ લાગી ત્યારે ફટાકડાના ગોડાઉનમાં લગભગ ૨૦ કર્મચારીઓ હતાં, જેમાં ચાર લોકો જીવ બચાવી બહાર નિકળવામાં સફળ રહ્યાં હતાં, જ્યારે ૧૨નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બેંગલૂરુની નજીક આવેલા શહેરમાંની ગોદામ સાથેની ફટાકડાની દુકાનમાં લાગેલી આગમાં મરનારા મોટા ભાગના લોકો ગરીબ વિદ્યાર્થીઓ હતા. તેઓ પોતાના શિક્ષણ માટે નાણાં કમાવવા રજાના દિવસોમાં ફટાકડાની દુકાનમાં કામ કરતા હતા.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે મરનારા છ જણ ધોરણ બારના અને અન્ડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ હતા. આ દુર્ઘટનાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરાઇ હતી.
કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધરમૈયાએ જણાવ્યું હતું કે બેંગલૂરુ શહેરી જિલ્લાના સીમા પર આવેલા અટ્ટીબેલે નગરની ગોદામ સાથેની દુકાનમાં આ આગ લાગી હતી. દુર્ઘટનામાં મરનારા લોકો પાડોશી તમિળનાડુના કૃષ્ણગિરિ અને ધરમપુરી જિલ્લાના વતની હતા.
તેમણે જણાવ્યું હતું કે આ દુકાનમાં મેનેજર સિવાય કોઇ કાયમી કર્મચારી નહોતું. અનેક વિદ્યાર્થી રજાના દિવસોમાં આવક મેળવવા અહીં કામ કરતા હતા, પરંતુ દુર્ઘટનામાં મોતને ભેટ્યા હતા. (એજન્સી)