વિશાખાપટ્ટનમાં જેટ્ટી વિસ્તારમાં ભીષણ આગ: ૩૫ બોટ બળીને ખાક

કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો, આગ પાછળનું કારણ અકબંધ
આગ:
વિશાખાપટ્ટનમમાં સોમવારે સવારે જેટ્ટી વિસ્તારમાં આગ ફાટી નીકળ્યા બાદ
ઊઠી રહેલી અગનજ્વાળાઓ અને ધુમાડો. આગમાં માછીમારોની ૩૫ જેટલી બોટ ભડથું થઈ ગઈ હતી. (એજન્સી)
વિશાખાપટ્ટનમ: વિશાખાપટ્ટનમ જેટ્ટી વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળતા ૩૫ બોટ બળીને ખાક થઇ ગઇ હતી. આગ એટલી ભયાનક અને વિકરાળ હતી કે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. જોકે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ એક બોટમાંથી શરૂ થઇ હતી અને ઝડપથી ફેલાઇ ગઇ હતી. આગ વિશાખાપટ્ટનમ ક્ધટેનર ટર્મિનલ અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની ફેસિલિટી નજીકના વિસ્તારમાં ફાટી નીકળી હતી, જ્યાં માછીમારીની બોટ લાંગરવામાં આવી હતી. વિશાખાપટ્ટનમ જિલ્લા ફાયર ઓફિસર એસ. રેણુકૈયાના જણાવ્યા અનુસાર અકસ્માતની જાણ થતા જ અગ્નિશામકો સ્થળ પર દોડી ગયા હતા. તેમજ એનડીઆરએફ અને વિશાખાપટ્ટનમ પોર્ટ ટ્રસ્ટની મદદ પણ માગવામાં આવી હતી. જોકે હજુ સુધી કોઇ જાનહાનિના સમાચાર નથી.
વિશાખાપટ્ટનમના ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ-ઝોન બેના આનંદ રેડ્ડીના જણાવ્યા અનુસાર રવિવાર અને સોમવાર વચ્ચેની રાતે ખૂબ પવન હતો. જેના કારણે ફાઇબરની બનેલી અને નજીક લાંગરેલી બોટમાં આગ ઝડપથી ફેલાઇ ગઇ હતી. આમાંની ઘણી બોટ માછીમારો અઠવાડિયા સુધી દરિયામાં રહેતા હોવાથી ૫,૦૦૦ લીટર ડીઝલ વહન કરે છે. ઘણી બોટમાં એલપીજી સિલિન્ડરો પણ ભરેલા હતા. જેનો ઉપયોગ માછીમારો રસોઇ માટે કરે છે. ત્યાં આઠ જેટલા વિસ્ફોટ થયા હતા જે અધિકારીઓને એલપીજી સિલિન્ડરના હોવાની શંકા છે. અંદાજ મુજબ દરેક બોટની કિંમત ૩૫ લાખથી ૫૦ લાખની વચ્ચે છે. પોલીસે આકસ્મિક આગનો ગુનો નોંધ્યો હતો.