કોચીમાં ફટાકડાના ગોદામમાં ભયંકર સ્ફોટ : એકનું મરણ, 16ને ઈજા
કોચી : અહીંની નજીકના ત્રિપ્પુનિતુરાના રહેણાંક વિસ્તારમાં ફટાકડાના ગેરકાયદે ગોદામમાં જોરદાર સ્ફોટ થતાં એક જણનું મરણ થયું હતું અને મહિલા અને બાળકો સહિત 16 જણ ઘાયલ થયાં હતાં.
ઈજા પામેલાઓમાંથી ચારની હાલત ગંભીર છે અને તેમને નિષ્ણાતોની સારવાર મળે એ માટે નજીકની હૉસ્પિટલથી કલમસ્સેરી મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે.
જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા પ્રમાણે મૃતકનું નામ વિષ્ણુ છે અને તે તિરુવનંતપુરમનો છે. જોકે મૃતકની વિગતવાર માહિતી મળી નથી. ધડાકાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. અગ્નિશામક દળ અને બચાવના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે કહ્યું હતું કે ગોદામમાં મોટા જથ્થામાં ફટાકડા લાવવામાં આવ્યા હતા જે એક સાથે ફૂટતાં સ્ફોટ થયો હતો. અગ્નિશામક દળના કર્મચારીએ કહ્યું હતું કે આ શક્તિશાળી સ્ફોટ હતો અને એને લીધે અનેક કિલોમીટર સુધી આચંકા અનુભવાયા હતા. આગ તરત કાબૂમાં આવી હતી, પરંતુ એને એ પહેલાં નજીક અને આસપાસના વિસ્તારમાં ભારે તારાજી કરી હતી. આસિસ્ટન્ટ સ્ટેશન ઓફિસરે પત્રકારોને કહ્યું હતું કે
અમને એ ખબર નથી કે ઓછી વસતીવાળા આ વિસ્તારમાં ફટાકડાનું ગોદામ હતું. જે લોકો આનું સંચાલન કરતા હતા તેઓએ આની પરવાનગી લીધી નહોતી.
તેમણે કહ્યું હતું કે સ્ફોટનું વાસ્તવિક કારણ હજી જાણવા મળ્યું નથી, પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે જ્યારે ફટાકડા ગોદામમાં ઉતારવામાં આવી રહ્યા હતા ત્યારે દુર્ઘટના ઘટી હતી.
અધિકારીએ ઉમેર્યું હતું કે સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે થોડા સમયથી ફટાકડાનું ગોદામ અહીં ચાલતું હતું. સ્થાનિક મંદિરના ઉત્સવને લીધે ગોદામમાં ફટાકડાનો સંગ્રહ થતો હતો. અમારે આ વિગતો ચકાસવી પડશે. અમને ગોદામ કાર્યરત હોવાની કોઈ ખબર નહોતી.
સ્થાનિક રહેવાસીઓ વિસ્તારને હચમચાવી નાખનાર ભયંકર સ્ફોટની અસરમાંથી બહાર આવ્યા નથી.
વિસ્તારના બે માળનાં અનેક મકાનોના છાપરાને ભયંકર નુકસાન થયું છે. ધડાકાને લીધે દરવાજા અને બારી દીવાલથી અલગ થઈને ઊડી ગયા હતા ઈંટ અને ટાઈલ્સ પડતાં પાર્ક કરાયેલી કારને નુકસાન થયું હતું.
આગને લીધે ઊંચા ઝાડ પણ બળીને ખાખ થઈ ગયા છે અને તેના અવશેષો સંખ્યાબંધ મીટર દૂર મળી રહ્યા છે.
આઘાત લાગનાર એક મહિલાએ કહ્યું હતું કે અમે અમારું સર્વસ્વ ગુમાવી દીધું છે. અમારા ઘરને ભયંકર નુકસાન થયું છે. દરવાજા અને બારી રહ્યા નથી. (એજન્સી)