
ભોપાલ: મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના કુનો નેશનલ પાર્કમાં પહેલાં બે નાર ચૂત્તાઓ બાદ હવે વીરા નામની માદા ચિત્તાને લાવવામાં આવી છે. માદા ચિત્તાને નયાગાંવ ફોરેસ્ટ રેન્જમાં છોડવામાં આવી છે. તે વિસ્તાર પીપલબાવડી પ્રવાસન વિસ્તાર હેઠળ આવે છે.
નોંધનીય છે કે ત્રણ દિવસ પહેલા ચિત્તા રિઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટ હેઠળ બે નર ચિત્તાઓ અગ્નિ અને વાયુને પણ નેશનલ પાર્કના આહેરા પર્યટન વિસ્તાર હેઠળના પરોંડ ફોરેસ્ટ રેન્જમાં છોડવામાં આવ્યા હતા. અહી આવનાર પ્રવાસીઓ હવે ચિત્તાઓને નિર્ધારિત વિસ્તારમાં જોઈ શકશે. કુનો નેશનલ પાર્ક વિદ્યાચલ પર્વતોની ઉત્તરી ધાર પર સ્થિત છે અને તેનું ક્ષેત્રફળ 344.686 ચોરસ કિમી છે. તેમજ આ નેશનલ પાર્ક ચંબલ નદીની બાજુમાં જ આવેલું છે. આથી અહીંનું વાતાવરણ જંગલી પ્રાણીઓને અનુકૂળ રહે છે.
ઉલ્લેખનીય છે કે દેશની પ્રથમ ચિત્તા સફારી કુનો નેશનલ પાર્કમાં બનવા જઈ રહી છે. અહીં સેસાઈપુરામાં કુનો નદી વિસ્તારનો સમાવેશ કરીને પ્રવાસીઓ માટે ચિત્તા સફારી વિકસાવવાની યોજનાની દરખાસ્ત સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને મોકલવામાં આવી હતી. જેને કુનો ફેસ્ટિવલ પહેલા મંજૂરી મળી ગઈ છે. હવે આ અંગે નજીકના ભવિષ્યમાં કામ શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ લગભગ 50 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના છે.
કેન્દ્રીય વન પ્રધાન ભૂપેન્દ્ર યાદવે આ વર્ષે 6 જૂનના રોજ કુનો પાર્કની મુલાકાત લીધા બાદ સેસાઈપુરામાં ચિત્તા સફારી માટે પ્રસ્તાવ રજૂ કરવાની સૂચના આપી હતી. ત્યારબાદ 181.17 હેક્ટર વિસ્તારમાં ચિત્તા સફારી માટેનો પ્રસ્તાવ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને મોકલવામાં આવ્યો હતો. જેને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. જ્યાં આ સફારી બનાવવામાં આવશે તેમાં 124.94 હેક્ટર જંગલની જમીન અને 56.23 હેક્ટર રેવન્યુ જમીનનો સમાવેશ થશે. આ ચિત્તા સફારી બની જશે પછી અહી આવનાર પ્રવાસીઓ નિર્ધારિત વિસ્તારની અંદર ચિત્તાઓ ને નિહાળી શકશે.