ફેમા કેસ: તેલંગણાના કૉંગ્રેસના ઉમેદવારના ઘરે ઈડીના દરોડા
હૈદરાબાદ: હવાલા સાથે સંકળાયેલા ફોરૅને એક્સચેન્જ મેનેજમેન્ટ ઍક્ટ (ફેમા)નો ભંગ કરવાને મામલે ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ મંગળવારે તેલંગણાની ચેન્ નુર બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર વિવેક વેંકટસ્વામી અને અન્યોના નિવાસસ્થાને દરોડા પાડ્યા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
૧૧૯ બેઠક ધરાવતી તેલંગણા વિધાનસભાની ચૂંટણી ૩૦ નવેમ્બરે યોજાવાની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફેમાની જોગવાઈ અંતર્ગત ઈડીએ હૈદરાબાદ અને ચેન્નુરના માન્ટેરિયલ જિલ્લામાં તપાસ કાર્યવાહી હાથ
ધરી હતી.
તાજેતરમાં કરવામાં આવેલા કથિત આઠ કરોડ રૂપિયાના શંકાસ્પદ બૅન્ક ટ્રાન્ઝેક્શનમાં કૉંગ્રેસના નેતા દ્વારા પ્રમોટ કરવામાં આવેલી કંપની ઈડીના રડાર પર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
તેલંગણા ચીફ ઈલેક્ટોરલ ઑફિસર (સીઈઓ)ને સૌપ્રથમ આ માહિતી મળી હતી જેને પગલે ઈડીએ આ કાર્યવાહી હાથ ધરી હતી.
ભૂતપૂર્વ સાંસદ વિવેક વેંકટાસ્વામીએ તાજેતરમાં જ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું અને હૈદરાબાદમાં પક્ષના નેતા રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કૉંગ્રેસમાં જોડાયા હતા.
વિવેક વેંકટાસ્વામી અગાઉ કૉંગ્રેસમાં હતા ત્યાર બાદ કૉંગ્રેસ છોડી તે તેલંગણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવના બીઆરએસ પક્ષમાં અને પછી ભાજપમાં જોડાયા હતા. વિવેક વેકટાસ્વામીએ રૂ. ૬૦૦ કરોડની સંપત્તિ જાહેર કરી હતી અને ૩૦ નવેમ્બરે યોજાનારી ચૂંટણીમાં તે સૌથી ધનવાન રાજકારણી છે.
વિવેક અને તેમની પત્ની વિવિધ કંપનીઓના શેર સહિત રૂ. ૩૭૭ કરોડની જંગમ મિલકત ધરાવે છે જેમાં વર્ષ ૧૯૮૧માં તેમણે સ્થાપેલી વિકાસ ઈન્ડસ્ટ્રીઝનો પણ સમાવેશ થાય છે.
પરિવાર પાસે રૂ. ૨૨૫ કરોડ કરતા પણ વધુની સ્થાવર મિલકત છે.
દાખલ કરેલા સોગંદનામામાં જણાવ્યા અનુસાર વિવેક અને તેમની પત્ની લૉન સહિત રૂ. ૪૧.૫ કરોડની જવાબદારી ધરાવે છે.
ગયા વરસે વિવેકની વાર્ષિક આવક વર્ષ ૨૦૧૯ની રૂ. ૪.૬૬ કરોડથી વધીને રૂ. ૬.૨૬ કરોડ અને એ જ સમયગાળામાં તેની પત્નીની આવક વાર્ષિક રૂ. ૬.૦૯ કરોડથી વધીને રૂ. ૯.૬૧ કરોડ થઈ હતી. (એજન્સી)