ગુજરાત સરકારે 19 ખાનગી મેડિકલ કૉલેજને ફીવધારાનો માર્ગ મોકળો કરી આપ્યો?
અમદાવાદઃ એક તરફ NEETની પરીક્ષામાં સર્જાયેલી આંદાધૂંધીને લીધે મેડિકલ ફિલ્ડમાં જનારા વિદ્યાર્થીઓ નારાજ છે તો બીજી બાજુ ગુજરાત સરકારે ખાનગી કૉલેજોને ફીવાધારા માટે લીલી ઝંડી આપી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી, પકંતુ મેડિકલના ક્ષેત્રમાં કારકિર્દી બનાવનારા વિદ્યાર્થીઓ અને માતા-પિતા માટે માઠા સમાચાર આવે તેવી શક્યતા છે.
એક અહેવાલ દ્વારા મળતી માહિતી અનુસાર રાજ્ય સરકારે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS) સંચાલિત જૂની આઠ અને નવી પાંચ સહિત કુલ 13 મેડિકલ કૉલેજોને ફીવધારા માટે મંજૂરી આપી છે. જેમાં મેડિકલ કોલેજોની સ્વનિર્ભર બેઠકો, મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો અને એનઆરઆઈ ક્વોટાની બેઠકોની ફીમાં વધારો કરાયો છે. ફી વધારાના કારણે હવે ટૂંક સમયમાં રાજ્યની કોર્પોરેશન સંચાલિત-3, ગ્રીન ફિલ્ડ-6, બ્રાઉન ફિલ્ડ-4 અને સંપૂર્ણ ખાનગી-6 સહિત કુલ 19 ખાનગી મેડિકલ કૉલેજો પણ ફીવધારો માગી શકે છે.
ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS) હસ્તકની 13 મેડિકલ કોલેજોની ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. મેડિકલ કોલેજોની સ્વનિર્ભર બેઠકો, મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો અને NRI ક્વોટાની બેઠકોની ફીમાં વધારો કરાયો છે. જેમાં સ્વનિર્ભર બેઠકોની ફી રૂ. 3.30 લાખથી વધારીને રૂ. 5.50 લાખ કરાઈ છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂ. 9.07 લાખથી વધારીને રૂ. 17 લાખ અને NRI ક્વોટાની ફી રૂ. 22 હજાર યુએસ ડોલરથી વધારીને રૂ. 25 હજાર યુએસ ડોલર કરવામાં આવી છે. આમ, સ્વનિર્ભર બેઠકોની ફીમાં 67 ટકા, મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોની ફીમાં 87 ટકા અને એનઆરઆઈ ક્વોટાની બેઠકોની ફીમાં 14 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ફી વધારાના કારણે હવે આગામી સમયમાં રાજ્યની કોર્પોરેશન સંચાલિત-3, ગ્રીન ફિલ્ડ-6, બ્રાઉન ફિલ્ડ-4 અને સંપૂર્ણ ખાનગી-6 સહિત કુલ 19 ખાનગી મેડિકલ કૉલેજો પણ ફીવધારો માગી શકે છે. ગુજરાતમાં મેડિકલની કુલ 6,850 બેઠકો છે. રાજ્યમાં છેલ્લાં 29 વર્ષમાં એક પણ સરકારી મેડિકલ કૉલેજ શરૂ થઈ નથી.
બીજી તરફ અમદાવાદની એનએચએલ મેડિકલ કૉલેજ જે ગ્રાન્ટેડ હતી તેને પણ સેલ્ફ ફાઈનાન્સમાં કન્વર્ટ કરાઈ છે. અત્યાર સુધી જીએમઈઆરએસ અને જુદાંજુદાં મથાળાં હેઠળ ખાનગી કૉલેજોને જ પ્રોત્સાહન અપાયું હોવાના આક્ષેપો અને ફરિયાદો થઈ રહી છે. હાલ રાજ્યની છ સરકારી મેડિકલ કૉલેજમાં ભણતા વિદ્યાર્થીની વાર્ષિક ફી માત્ર રૂ. 25 હજાર છે. ગયા વર્ષે પણ જીએમઈઆરએસ મેડિકલ કૉલેજો માટે ફીવધારાની માગણી કરાઈ હતી. જોકે વિદ્યાર્થીઓનો વિરોધ થતા ફીવધારો પરત ખેંચાયો હતો.