વિદેશી રોકાણકારો માટે ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું ભારત, જાણો વિગતે
નવી દિલ્હી : વિશ્વભરના રોકાણકારો માટે ભારત મહત્વનો દેશ છે. આ કારણે વિદેશી રોકાણ (FDI)નો પ્રવાહ ઝડપથી વધી રહ્યો છે. જેમાં એપ્રિલ 2000થી સપ્ટેમ્બર 2024 દરમિયાન ભારતમાં ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ 1,000 અબજ યુએસ ડોલરને પાર કર્યું છે. છેલ્લા 24 વર્ષમાં દુનિયાભરના દેશોમાંથી ભારતમાં રેકોર્ડ વિદેશી રોકાણ આવ્યું છે. તેમજ આગામી સમયમાં એફડીઆઈ રોકાણ વધવાની ધારણા છે. કારણ કે વિશ્વની મોટી કંપનીઓ ચીનથી ભારતમાં આવી રહી છે.
25 ટકા એફડીઆઈ રોકાણ મોરેશિયસના રૂટથી આવ્યું
ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) ના ડેટા અનુસાર, આ સમયગાળા દરમિયાન ઈક્વિટી, પુનઃ રોકાણની કમાણી અને અન્ય મૂડી સહિત FDIની કુલ રકમ 1,033.40 બિલિયન અમેરિકન ડોલર હતી. આંકડા અનુસાર, લગભગ 25 ટકા એફડીઆઈ રોકાણ મોરેશિયસના રૂટ દ્વારા આવ્યું છે. આ પછી સિંગાપોર (24 ટકા), યુએસ (10 ટકા), નેધરલેન્ડ (સાત ટકા), જાપાન (છ ટકા), યુકે (પાંચ ટકા), યુએઈ (ત્રણ ટકા) અને કેમેન આઇલેન્ડ, જર્મનીનો નંબર આવે છે. આ ડેટા અનુસાર ભારતને મોરેશિયસથી 177.18 બિલિયન યુએસ ડોલર, સિંગાપુરથી 167.47 બિલિયન યુએસ ડોલર અને અમેરિકાથી 67.8 બિલિયન યુએસ ડોલર રોકાણ આવ્યું છે.
આ પણ વાંચો : Farmers Protest : પોલીસે શંભુ બોર્ડર પરથી કૂચ કરતાં ખેડૂતોને અટકાવ્યા, ટીયર ગેસના સેલ છોડ્યા
મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં FDI ઇક્વિટીનો પ્રવાહ વધ્યો
આમાંથી મોટા ભાગનું રોકાણ સર્વિસ સેક્ટર, કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર, ટેલિકોમ્યુનિકેશન, ટ્રેડ, ઈન્ફ્રા, કન્સ્ટ્રક્શન, ઓટોમોબાઈલ, કેમિકલ અને ફાર્મા સેક્ટરમાં આવ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અનુસાર, 2014 થી, ભારતે કુલ 667.4 બિલિયન યુએસ ડોલર FDI આવ્યું છે. જે અગાઉના દાયકા (2004-14) કરતાં 119 ટકા વધુ છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં FDI ઇક્વિટીનો પ્રવાહ છેલ્લા દાયકા (2014-24)માં 165.1 બિલિયન યુએસ ડોલર સુધી પહોંચ્યો હતો. જે અગાઉના દાયકા (2004-14)ની સરખામણીમાં 69 ટકાનો વધારો દર્શાવે છે.