પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપનારા ઇમામ વિરુદ્ધ ફતવો, ઈમામે આપ્યો આક્રમક જવાબ
નવી દિલ્હી: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ સમારોહમાં ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય ઈમામ ડો. ઈમામ ઉમર અહેમદ ઈલ્યાસી પણ હાજર રહ્યા હતા. તેઓ VVIP મહેમાનોમાં સામેલ હતા. હવે તેની સામે ફતવો બહાર પાડવામાં આવ્યો છે. જેને લઈને તેને તેના વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો છે.
તેમના વિરુદ્ધ બહાર પાડવામાં આવેલા ફતવા અંગે ઉમર અહેમદે કહ્યું, ‘મુખ્ય ઈમામ તરીકે મને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ તરફથી આમંત્રણ મળ્યું હતું. બે દિવસ વિચાર કર્યા પછી અયોધ્યા જવાનું નક્કી થયું. ફતવો ગઈકાલે જારી કરવામાં આવ્યો હતો પરંતુ મને 22 જાન્યુઆરીની સાંજથી ધમકીભર્યા ફોન આવી રહ્યા છે.
તેણે વધુમાં કહ્યું, ‘મેં કેટલાક કોલ રેકોર્ડ કર્યા છે જેમાં કોલ કરનારાઓએ મને મારી નાખવાની ધમકી આપી છે. જે લોકો મને અને દેશને પ્રેમ કરે છે તેઓ મને સાથ આપશે.
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં મારી હાજરીના કારણે જે લોકો મને નફરત કરી રહ્યા છે તે લોકો પાકિસ્તાન જતાં રહે. મેં પ્રેમનો સંદેશ આપ્યો છે. કોઈ ગુનો કર્યો નથી. હું માફી માંગીશ નહીં કે રાજીનામું આપીશ નહીં. ધમકીઓ આપનારાને જે કરવું હોય તે કરે.
આપને જણાવી દઈએ કે મુસ્લિમ ધર્મગુરુ ડૉ. ઈમામ ઉમર અહેમદ ઈલ્યાસી ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશન (AIIO)ના મુખ્ય ઈમામ છે. ઈલ્યાસીને ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશન દ્વારા ભારતના 5 લાખ ઈમામો અને લગભગ 21 કરોડ ભારતીય મુસ્લિમોના ધાર્મિક અને આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે ગણવામાં આવે છે.
ઓમર અહેમદ ઇલ્યાસી, ઇમામ સંસ્થાનો વૈશ્વિક ચહેરો છે. ધર્મ, આધ્યાત્મિકતા અને આંતર-ધાર્મિક સંવાદના તમામ આંતરરાષ્ટ્રીય મંચો પર સંસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. તાજેતરમાં પંજાબની દેશ ભગત યુનિવર્સિટી દ્વારા ડો.ઇમામ ઓમર અહેમદ ઇલ્યાસીને ફિલોસોફીની ડોક્ટરેટની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રથમ વખત છે જ્યારે કોઈ મસ્જિદના ઈમામને શિક્ષણના સર્વોચ્ચ પદથી સન્માનિત કરવામાં આવ્યા છે.