નેશનલ

જમ્મુ-કાશ્મીરમાં શહીદ થતા પહેલા આ હતા કેપ્ટન એમવી પ્રાંજલના શબ્દો, પત્નીને કર્યો હતો અંતિમ કોલ

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં બુધવારે આંતકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા કેપ્ટન એમવી પ્રાંજલ ’63 રાષ્ટ્રીય રાઇફલ્સ’નો ભાગ હતા. તેમની શહીદીના સમાચાર પરિવારને મળ્યા બાદ પરિવારજનોની સ્થિતિ આભ તૂટી પડવા જેવી થઇ ગઇ હતી. કેપ્ટન એમવી પ્રાંજલ ફક્ત 28 વર્ષના જ હતા.

2 વર્ષ પહેલા કેપ્ટન એમવી પ્રાંજલના લગ્ન બેગ્લુરૂની એક યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ તેમનું પોસ્ટિંગ કાશ્મીરમાં થયું. પ્રાંજલ દક્ષિણ કન્નડ જિલ્લાની એક સ્થાનિક શાળામાં ભણ્યા હતા અને શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે રાષ્ટ્રીય રક્ષા અકાદમીથી એન્જિનિયરીંગમાં સ્નાતક થયા હતા.


પત્ની અદિતી સાથે ફોન પર થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ ઓપરેશન માટે જઇ રહ્યા છે અને જો બધુ ઠીક રહે તો ગુરૂવારે ફરીવાર વાત કરશે. પરંતુ તેમના પત્નીને કલ્પના પણ નહિ હોય કે આ તેમની અંતિમ વાતચીત હશે અને કેપ્ટન ગુરૂવારે ફોન કરે એ પહેલા જ તેમના શહીદીના સમાચાર મળશે. રાજૌરીમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં કેપ્ટન સહિત 4 લોકો શહીદ થઇ ગયા હતા.


કેપ્ટન પ્રાંજલના પિતા વેંકટેશે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેં થોડા દિવસો પહેલા જ પ્રાંજલ સાથે વાત કરી હતી. પરંતુ તેનો અંતિમ સંદેશ તેની પત્ની અદિતિને તેણે મોકલ્યો હતો જેમાં તેણે સેનાના ઓપરેશનનો ઉલ્લેખ કરી ગુરૂવારે વાત કરવાનું જણાવ્યું હતું. પરિવાર તેના ફોનની રાહ જોઇ રહ્યું હતું, પરંતુ તે ફોન કરે તે પહેલા તેમનો અવાજ કાયમી શાંત થઇ ગયો હતો. કેપ્ટન પ્રાંજલને 9 ડિસેમ્બરે બઢતી મળવાની હતી. તેમને કેપ્ટનમાંથી મેજર બનાવવામાં આવનાર હતા.


પોતાના પુત્રના બાળપણના દિવસોને યાદ કરતા વેંકટેશે જણાવ્યું હતું કે પ્રાંજલનું સપનું એરફોર્સમાં પાયલટ બનવાનું હતું. પરંતુ તેની ઉંચાઇને કારણે એ સપનું પૂર્ણ ન થઇ શક્યું, આથી વર્ષ 2014માં તે સેનામાં જોડાયો હતો. તેણે સશસ્ત્ર દળો માટે આયોજીત લેખિત પરીક્ષામાં દ્વિતીય રેન્ક મેળવ્યો હતો. કર્ણાટકના સીએમ એચ.ડી.કુમારાસ્વામીએ સોશિયલ મીડિયામાં તેમના વિશે પોસ્ટ મુકી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button