Accident in Dehradun: ઈનોવા કાર ટ્રક સાથે અથડાતા છ વિદ્યાર્થીઓના મોત, એક ગંભીર

દેહરાદુન: ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં ગત મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત (Road Accident in Dehradun) સર્જાયો હતો. પુરપાટ વેગે જઈ રહેલી એક ઇનોવા કાર કન્ટેનર સાથે ધડાકાભેર અથડાતાં છ લોકોના મોત થયા છે, મૃતકોમાં ત્રણ યુવકો અને ત્રણ યુવતીઓનો સમાવેશ થાય છે. જ્યારે યુવક એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે, જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
વિદ્યાર્થી ફરવા નીકળ્યા હતાં:
આ અકસ્માત ગત રાત્રે 2 વાગ્યાના અરસામાં સર્જાયો હતો. કારમાં સવાર તમામ મુસાફરો વિદ્યાર્થીઓ હતા. અહેવાલ મુજબ કેટલાક વિદ્યાર્થીઓ દિલ્હીના અને કેટલાક ઉત્તરાખંડના છે. સાતેય વિદ્યાર્થીઓ કારમાં બેસીને ફરવા નીકળ્યા હતાં, તમામની ઉંમર 25 વર્ષથી ઓછી છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
કારનો કચ્ચરઘાણ નીકળી ગયો:
આ અકસ્માત કેટલો ભયાનક હતો એનો અંદાજ ઈનોવા કારની હાલત જોઈને જ લગાવી શકાય છે, અકસ્માત બાદ કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. સ્થાનિક પોલીસને જાણ થતા, પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતગ્રસ્ત વાહનમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા અને હોસ્પિટલ લઈ ગયા.
Also Read – Vadodara ની IOCL રિફાઈનરીમાં લાગેલી આગમાં બે કર્મચારીના મોત
મૃતકોની ઓળખ:
મૃત્યુ પામેલી છોકરીઓની ઓળખ ગુનીત તેજ પ્રકાશ સિંહ (19), નવ્યા પલ્લવ ગોયલ (23) અને કામાક્ષી તુષાર સિંઘલ (20) તરીકે થઇ છે. આ ત્રણેય યુવતીઓ દેહરાદૂન શહેરના અલગ-અલગ વિસ્તારની રહેવાસી હતી. આ સિવાય મૃત્યુ પામેલા યુવકોની ઓળખ કુણાલ જસવીર કુકરેજા (23), અતુલ સુનિલ અગ્રવાલ (24) અને રિષભ તરુણ જૈન (24) તરીકે થઈ છે.