નેશનલ

FASTag બનશે મલ્ટીપર્પઝ વોલેટ: હવે પાર્કિંગ, પેટ્રોલ અને ફૂડનું પેમેન્ટ પણ ફાસ્ટેગથી થશે, જાણો સરકારનો નવો પ્લાન

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (NHAI) દ્વારા વાહનચાલકો માટે ટૂંક સમયમાં જ એક મોટી જાહેરાત કરવામાં આવશે, જેને કારણે વાહનચાલકો ફાસ્ટેગ (FASTag)થી માત્રો ટોલ જ નહીં પણ બીજા પણ અનેક મહત્ત્વના કામ કરી શકશે. મળી રહેલી માહિતી અનુસાર હવે તમારું ફાસ્ટેગ માત્ર ટોલ પ્લાઝા સુધી સીમિત નહીં રહે, પરંતુ તે એક મલ્ટીપર્પઝ ડિજિટલ વોલેટ તરીકે કામ કરશે.

ફાસ્ટેગ બનશે મલ્ટી પર્પઝ વોલેટ

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ફાસ્ટેગને મલ્ટીપર્પઝ ડિજિટલ વોલેટ બનાવવા માટે છેલ્લાં છ મહિના પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો અને આ પ્રયોગ સફળ રહ્યો છે. જેને કારણે હવે તેને અમલી બનાવવાની દિશામાં એનએચએઆઈ આગળ વધી રહ્યું છે. વાત કરીએ કે નાગરિકો ફાસ્ટેગથી બીજા કયા મહત્ત્વના કામ કરી શકશે એની તો તે નીચે મુજબ છે.

છ મહિનાથી ચાલી રહ્યું હતું ટ્રાયલ

ફાસ્ટેગ હવે બનશે ‘ઓલ-ઈન-વન’ વોલેટ: પાર્કિંગથી લઈને પેટ્રોલ સુધીના તમામ પેમેન્ટ થશે સરળ. ભારત સરકાર ડિજિટલ ઈન્ડિયા અભિયાનને વેગ આપવા માટે ફાસ્ટેગની ઉપયોગિતા વધારવા જઈ રહી છે. છેલ્લા છ મહિનાથી ચાલી રહેલા પ્રાયોગિક પરીક્ષણો (Trials) સફળ રહ્યા બાદ, હવે ફાસ્ટેગ દ્વારા મુસાફરી દરમિયાન મળતી અન્ય સુવિધાઓનું પેમેન્ટ પણ કરી શકાશે.

મુખ્ય હેતુ શું છે?

આ પહેલ કરવાના હેતુ વિશે વાત કરતાં સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું કે ફાસ્ટેગને મલ્ટીપર્પઝ બનાવવાથી ડિજિટલ ફ્રોડની શક્યતાઓ ઘટશે. જ્યારે યુઝર ફાસ્ટેગને વોલેટ તરીકે વાપરશે, ત્યારે તેમાં મર્યાદિત રકમ હોવાથી કોઈ પણ પ્રકારની છેતરપિંડીની સ્થિતિમાં મોટું આર્થિક નુકસાન થવાનું જોખમ ઓછું રહેશે.

કઈ કઈ સુવિધાઓ માટે ફાસ્ટેગનો ઉપયોગ કરી શકાશે?

  • આ ફેરફાર લાવવા માટે ફિનટેક કંપનીઓ, બેંકો અને ટોલ ઓપરેટર્સ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં નીચેની સેવાઓ માટે સહમતિ બની છે:
  • પેટ્રોલ અને ડીઝલ: હવે પેટ્રોલ પંપ પર લાઈનમાં ઉભા રહ્યા વગર ફાસ્ટેગ દ્વારા સીધું પેમેન્ટ કરી શકાશે.
  • પાર્કિંગ ફી: એરપોર્ટ, મોલ કે રેલ્વે સ્ટેશનના પાર્કિંગમાં રોકડ આપવાની જરૂર નહીં રહે. (તાજેતરમાં દિલ્હી રેલ્વે સ્ટેશન પર આ સુવિધાના અમલની જાહેરાત થઈ છે).
  • EV ચાર્જિંગ: ઇલેક્ટ્રિક વાહન ચાલકો ચાર્જિંગ સ્ટેશન પર પણ ફાસ્ટેગથી ચુકવણી કરી શકશે.
  • ફૂડ આઉટલેટ્સ: હાઈવે પર આવેલા ફૂડ કોર્ટ કે રેસ્ટોરન્ટમાં જમ્યા પછી ફાસ્ટેગ સ્કેન કરીને પેમેન્ટ થઈ શકશે.
  • વાહન મેન્ટેનન્સ: ગાડીના સર્વિસિંગ કે રિપેરિંગ માટે પણ આ ટેકનોલોજીનો ઉપયોગ થશે.
  • સિટી એન્ટ્રી ચાર્જ: કેટલાક શહેરોમાં પ્રવેશવા માટે લાગતા ટેક્સ કે એન્ટ્રી ફી પણ આનાથી કપાશે.

કેવી રીતે કામ કરશે આ સિસ્ટમ?

જેમ અત્યારે ટોલ પ્લાઝા પર RFID ટેકનોલોજીની મદદથી પૈસા કપાય છે, તેવી જ રીતે પેટ્રોલ પંપ અને પાર્કિંગ લોટમાં સ્કેનર લગાવવામાં આવશે. વાહન જેવું ત્યાં પહોંચશે, તેના વિન્ડશ્રીલ્ડ પર લાગેલા સ્ટીકરને સ્કેન કરીને રકમ આપમેળે કપાઈ જશે.

વાહનચાલકોને આનાથી શું ફાયદો થશે?

વાત કરીએ કે આનાથી વાહનચાલકોને શું ફાયદો થશે એની તો આને કારણે રોકડની લેવડ-દેવડ કે છુટા પૈસાની માથાકૂટમાંથી મુક્તિ મળશે. આ સિવાય દરેક ટ્રાન્ઝેક્શનનો મેસેજ મોબાઈલ પર આવશે, જેથી ઓવરચાર્જિંગની સમસ્યા નહીં રહે. એની સાથે સાથે જ બેંક એકાઉન્ટ સાથે લિંક હોવા છતાં વોલેટની લિમિટ નક્કી કરી શકાતી હોવાને કારણે ટ્રાન્ઝેક્શન સુરક્ષિત રહેશે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button