Farmers Protest: સુપ્રીમ કોર્ટ પહોંચ્યો ખેડૂત આંદોલનનો મુદ્દો; શંભુ બોર્ડર ખોલવાની માંગ…
નવી દિલ્હી : હરિયાણા શંભુ બોર્ડર પર સુરક્ષાકર્મીઓએ ખેડૂતો પર ટીયર ગેસના શેલ છોડ્યા બાદ હવે આંદોલનનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ખેડૂતો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ખેડૂતોએ શંભુ બોર્ડર સહિત અન્ય તમામ સરહદો ખોલવાની માંગ કરી છે. પંજાબના રહેવાસી ગૌરવ લુથરાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને બોર્ડર ખોલવાની માંગ કરી હતી.
શંભુ બોર્ડર સહિત અન્ય તમામ સરહદો ખોલવા માટેના નિર્દેશોની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. અરજીમાં કેન્દ્ર, પંજાબ અને હરિયાણા સરકારને સૂચના આપવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ રીતે હાઈવે બ્લોક કરવો એ લોકોના મૂળભૂત અધિકારોનો ભંગ છે. આ ઉપરાંત નેશનલ હાઈવે એક્ટ અને BNS હેઠળ પણ આ ગુનો છે. આવી સ્થિતિમાં હાઈવે બ્લોક કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
આ પણ વાંચો : Farmers Protest: ખેડૂતોએ દિલ્હી ચલો કૂચ હાલ પૂરતી મોકૂફ રાખી, પછી જાહેર કરશે ભાવિ કાર્યક્રમ…
ટીયર ગેસના સેલ છોડ્યા હતા
આજે 101 ખેડૂતોના જૂથે દિલ્હી તરફ તેમની કૂચ ફરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ સાથે ઘર્ષણનો સામનો કરવો પડ્યો છે. તેમજ પોલીસે ખેડૂતોની ભીડને કાબૂમાં લેવા ટીયર ગેસના સેલ છોડ્યા હતા. જો કે, હરિયાણા પોલીસે તેમની કૂચ માત્ર થોડા મીટર દૂર અટકાવી દીધી હતી. આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. હરિયાણા પોલીસે ખેડૂતોને તેમના વિરોધને આગળ વધારવા માટે જરૂરી પરવાનગીઓ બતાવવા કહ્યું. શંભુ બોર્ડર પર ખેડૂતો અને પ્રદર્શનકારીઓ સાથે આ બાબતે ઘણી ચર્ચા થઈ હતી.
પોલીસ પાસે 101 ખેડૂતોની યાદી
આ દરમિયાન, પોલીસે દાવો કર્યો હતો કે ખેડૂતો 101 ખેડૂતોના આયોજિત જૂથ તરીકે નહીં પરંતુ ટોળા તરીકે આગળ વધી રહ્યા હતા. તેમણે કહ્યું કે ખેડૂતોને ઓળખ ચકાસણી પછી જ આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે. પોલીસે કહ્યું, અમે પહેલા તેમની ખરાઈ કરીશું અને પછી તેમને આગળ જવા દઈશું. અમારી પાસે 101 ખેડૂતોની યાદી છે, પરંતુ આ લોકો તેમની ઓળખ ચકાસવા દેતા નથી અને ટોળાંમાં આગળ વધી રહ્યા છે. જો કે, ખેડૂતોએ એ વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તેઓએ પોલીસને કોઈ યાદી આપી નથી.