ટોપ ન્યૂઝનેશનલ

શંભુ બોર્ડર પર 1200 ટ્રેક્ટર-ટ્રોલી, 14 હજાર લોકોની ભીડ…

જાણો ખેડૂતના વિરોધ પ્રદર્શની અતથી ઇતિ

નવી દિલ્હીઃ પાક પર એમએસપીની ગેરંટી આપવાની માંગણી કરી વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સંગઠનોની કેન્દ્ર સાથે ચાર રાઉન્ડની વાતચીત અનિર્ણિત રહી હતી. સરકાર સાથે વાટાઘાટો નિષ્ફળ જતાં ખેડૂત સંગઠનોએ હવે તેમનું આંદોલન ઉગ્ર બનાવ્યું છે અને દિલ્હી કૂચની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખેડૂતોની દિલ્હી ચલો માર્ચને લઈને ગૃહ મંત્રાલયના આંતરિક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

અહેવાલમાં પંજાબમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે લગભગ 14,000 લોકોને શંભુ બોર્ડર પર એકઠા થવાની મંજૂરી આપવામાં આવી છે અને ધાભી-ગુજરાન બેરિયર પર એક વિશાળ મેળાવડાની મંજૂરી આપવામાં આવી છે, જેમાં લગભગ 4,500 લોકો ભાગ લે તેવી શક્યતા છે. તેને ધ્યાનમાં રાખીને પંજાબ-હરિયાણા અને હરિયાણા-દિલ્હી બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થાને એલર્ટ પર રાખવામાં આવી છે. સાથે જ હરિયાણાના સાત જિલ્લામાં ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ ફરી એકવાર લંબાવવામાં આવ્યો છે.

ખેડૂતોના સંગઠનોની દિલ્હી તરફ કૂચની જાહેરાત પછી, ગૃહ મંત્રાલયે પંજાબમાં બગડતી કાયદો અને વ્યવસ્થા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને મુખ્ય સચિવને જાહેર અશાંતિ સર્જનારા તત્વો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.


ગૃહ મંત્રાલયના અહેવાલો અનુસાર, લગભગ 14000 લોકોને રાજપુરા-અંબાલા રોડ પરના શંભુ બેરિયર પર, લગભગ 1200 ટ્રેક્ટર-ટ્રોલી, 300 કાર, 10 મિની-બસ અને અન્ય નાના વાહનો સાથે એકઠા થવાની મંજૂરી આપવામાં આવી છે. તેવી જ રીતે, રાજ્યએ ધાભી-ગુજરાન બેરિયર પર લગભગ 500 ટ્રેક્ટર-ટ્રોલીઓ સાથે લગભગ 4500 વ્યક્તિઓની વિશાળ મેદનીને અનુમતિ આપવામાં આવી છે.


આંતરિક અહેવાલો પછી, ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર સાથે વાત કરી છે અને છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ચિંતાવ્યક્ત કરી છે. કેન્દ્ર સરકારનું માનવું છે કે વિરોધની આડમાં, બદમાશો/કાયદો તોડનારાઓ આશરો લઈ રહ્યા છે. પથ્થરમારો, ભીડ એકઠી કરવા પર પૂરી છૂટ આપવામાં આવી છે.


પડોશી રાજ્યોમાં અશાંતિ અને અરાજકતા ફેલાવવાના સ્પષ્ટ ઇરાદા સાથે સરહદ પર બદમાશોને છૂટ આપવામાં આવી છે. હરિયાણા પોલીસ દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતા બાદ ગૃહ મંત્રાલયનો આ પત્ર પ્રકાશમાં આવ્યો છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોને રોકવા માટે વહીવટીતંત્ર દ્વારા બનાવવામાં આવેલી દિવાલોને તોડવા માટે વિરોધીઓ પોકલેન જેવા ભારે મશીનો સાથે શંભુ સરહદ પર પહોંચ્યા છે.


ખેડૂત સંગઠનો આ મશીનોની મદદથી દિવાલ તોડીને દિલ્હી તરફ જવાનો પ્રયાસ કરશે. આ સંદર્ભમાં હરિયાણા પોલીસે પંજાબ પોલીસને પત્ર લખીને ખેડૂતોના પોકલેન જેવા ભારે મશીનો જપ્ત કરવા વિનંતી કરી છે. હરિયાણા પોલીસના આ પત્રના આધારે ગૃહ મંત્રાલયે પંજાબ સરકારને સુરક્ષા વ્યવસ્થામાં ખલેલ પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.

તે જ સમયે, હરિયાણાના પોલીસ મહાનિર્દેશક શત્રુજીત કપૂરનો પત્ર મળ્યા પછી, પંજાબ પોલીસે હરિયાણા તરફ જતી પોકલેન અને જેસીબી મશીન સહિત ભારે મશીનરીની અવરજવરને રોકવા માટે સૂચના આપી છે.
બીજી તરફ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ખેડૂતોને બસ વગેરે દ્વારા દિલ્હી જવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે મોટર વ્હીકલ એક્ટ મુજબ ટ્રેક્ટર-ટ્રોલી હાઇવે પર ચલાવી શકાતી નથી, તેથી ખેડૂતો બસ અથવા જાહેર પરિવહનનો ઉપયોગ કરીને રાજધાની જઈ શકે છે.


દરમિયાનમાં દિલ્હી પોલીસ પ્રદર્શનકારીઓને રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશતા રોકવા માટે તૈયારી કરી રહી છે. મંગળવારે પોલીસે આ અંગે મોકડ્રીલ પણ હાથ ધરી હતી. દિલ્હી-હરિયાણા સરહદ પર અર્ધલશ્કરી દળો ઉપરાંત દળોની પૂરતી તૈનાતી રાખવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે દિલ્હી પોલીસ શહેરની સરહદો પર ખેડૂતોને રોકવા માટે તૈયાર છે. સુરક્ષા કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે કે એક પણ પ્રદર્શનકારી કે વાહનને રાજધાનીમાં પ્રવેશવા ન દેવાય. આ અંગે પોલીસે મોકડ્રીલ પણ હાથ ધરી છે.


નોંધનીય છે કે ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચેની મંત્રણાનો છેલ્લો રાઉન્ડ પણ નિષ્ફળ ગયો હતો. આ બેઠકમાં કૃષિ પ્રધાને પાંચ પાકો – મગની દાળ, અડદની દાળ, અરહર દાળ, મકાઈ અને કપાસ પર ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે ટેકાના ભાવે ખરીદવાની ઓફર (MSP)કરી હતી, પરંતુ ખેડૂતોએ આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે આ પ્રસ્તાવ ખેડૂતોના હિતમાં નથી.


કેન્દ્રીય કૃષિ પ્રધા અર્જુન મુંડાએ ખેડૂતોની દિલ્હી કૂચ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, અમને જાણવા મળ્યું છે કે ખેડૂત નેતાઓએ MSP પર સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો છે. અમે ખેડૂતો માટે સારું કામ કરવા માંગીએ છીએ અને આમ કરવા માટે અમે હંમેશા સારા અભિપ્રાયોને આવકાર્યા છે. પરંતુ આવા અભિપ્રાય ખેડૂતો માટે કેવી રીતે ફાયદાકારક રહેશે? એ બાબત જાણવા માટે વાતચીતથી જ રસ્તો કાઢવાનો છે. ખેડૂતોની માંગણીઓ ચોક્કસપણે મંત્રણા દ્વારા જ ઉકેલાશે.


ખેડૂતોની સૌથી મોટી માંગ MSP પર કાનૂની ગેરંટી છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારે MSP પર કાયદો લાવવો જોઈએ. ખેડૂતો એમએસપી પર સ્વામીનાથન કમિશનની ભલામણોને લાગુ કરવાની પણ માંગ કરી રહ્યા છે. ખેડૂત સંગઠનોનો દાવો છે કે સરકારે તેમને એમએસપીની ગેરંટી અંગે કાયદો લાવવાનું વચન આપ્યું હતું, પરંતુ આજ સુધી આવું થયું નથી.


નોંધનીય છે કે સ્વામીનાથન કમિશને ખેડૂતોને તેમના પાકની દોઢ ગણી કિંમત ચૂકવવાની ભલામણ કરી હતી. પંચના અહેવાલને 18 વર્ષ વીતી ગયા છે, પરંતુ MSP પરની ભલામણોનો હજી સુધી અમલ કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત ખેડૂત સંગઠને પેન્શન, લોન માફી, વીજળીના દરમાં વધારો નહીં કરવો જોઇએ અને લખીમપુર ખેરી હિંસાનો ભોગ બનેલા ખેડૂતો પર નોંધાયેલા કેસ પાછા ખેંચવાની પણ માંગ કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…