Farmers Protest ફરી શરુ થશે, શંભુ બોર્ડર ખુલવાની સાથે જ દિલ્હી તરફ કુચ

ચંડીગઢ: પડતર માંગો અંગે ખેડૂતો ફરી દિલ્હી તરફ કુચ (Farmers march to Delhi) કરશે, સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મઝદૂર મોરચાએ મંગળવારે ચંડીગઢના કિસાન ભવન ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં આગામી વ્યૂહરચના જાહેર કરી. ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું કે શંભુ બોર્ડર ખુલતાની સાથે જ ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે. તેણે કહ્યું કે અમને સામાન ભેગો કરવામાં થોડો સમય લાગશે, તે પછી અમે દિલ્હી તરફ રવાના થઈશું.
જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું, “હાઈકોર્ટે હાઈવે ખોલવાનો નિર્ણય આપ્યો. અમારા એક સાથી નવદીપ જલબેડા મુક્તિની માંગ સાથે 17 થી 18 જુલાઈ સુધી અંબાલામાં SSP ઑફિસનો ઘેરાવ કરવામાં આવશે. શુભકરણના મૃત્યુની તપાસ હરિયાણા સરકારના IPS અધિકારીને સોંપવામાં આવી છે. હરિયાણા સરકાર પહેલા જ સુપ્રીમ કોર્ટમાં કહી ચૂકી છે કે આ કેસની તપાસથી પોલીસનું મનોબળ તૂટી શકે છે અને ભવિષ્યમાં પોલીસ કાર્યવાહી કરવામાં ખચકાટ અનુભવશે. હવે એ જ હરિયાણા સરકારના પોલીસ અધિકારીને તપાસની જવાબદારી સોંપવામાં આવી છે, અમને ન્યાયની કોઈ આશા નથી, તેથી હાઈકોર્ટે તેના પર પુનર્વિચાર કરવો જોઈએ.”
તેમણે કહ્યું, “હાઈકોર્ટે કહ્યું કે શંભુ બોર્ડર ખોલવી જોઈએ, પરંતુ સરકારે તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો, જેનાથી સાબિત થયું કે અમે રસ્તો રોક્યો નથી. રસ્તો ખુલતાની સાથે જ અમે દિલ્હી તરફ કૂચ કરીશું.”
પોલીસે ખેડૂતો પર ગોળીબાર કર્યો?
આ દરમિયાન હરિયાણાના ખેડૂત નેતા અભિમન્યુ કોહરે ખેડૂતોના આંદોલન દરમિયાન ખેડૂતો પર કરવામાં આવેલી પોલીસ કાર્યવાહીનો વીડિયો બતાવ્યો. તેમણે કહ્યું, “પોલીસે ખેડૂતો પર ગોળીબાર કર્યો હતો. અમારી પાસે વીડિયોમાં આના સ્પષ્ટ પુરાવા છે. 22 જુલાઈના રોજ દિલ્હીમાં કોન્સ્ટિટ્યુશન ક્લબમાં દેશભરના ખેડૂત સંગઠનોની બેઠક મળશે. અમે અમારું મેમોરેન્ડમ પહેલેથી જ આપી દીધું છે. અમે અમારી માંગણીઓને અંગે વિપક્ષના તમામ સાંસદો સાથે પણ વાતચીત કરીશું. રાહુલ ગાંધી સહિત તમામ વિપક્ષી નેતાઓને પત્ર લખીને આગામી સંસદ સત્રમાં પ્રાઈવેટ મેમ્બર બિલ લાવવા માટે કહેવામાં આવ્યું છે અને બીજેપી સાંસદો સિવાય અન્ય સાંસદો પાસેથી પણ સમય માંગવામાં આવ્યો છે.”
Also Read –