Farmers Protest: પંજાબ હરિયાણા બોર્ડર પર શું હાલ છે ખેડૂતોના, જાણો?
ચંદીગઢઃ ખેડૂતો દ્વારા પોતાની વિવિધ માગણીઓને લઈ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આજે હરિયાણામાં હજારોની સંખ્યામાં ખેડૂતો ખનૌરી બોર્ડર તરફ કૂચ કરી હતી. ખેડૂત સંગઠન અને ખાપ પંચાયતોએ ખેડૂતોને કેહરી ચોપટા પર એકત્ર થવાનું જણાવ્યું હતું, પરિણામે ખેડૂતો અને પ્રશાસનની વચ્ચે તણાવ વધ્યો હતો, જેમાં હિસાર પોલીસે વધુ ફોર્સને પણ તહેનાત કરી હતી.
ખેડૂતોને કૂચને રોકવા માટે અગાઉ ટિયર ગેસના મારા વચ્ચે હિંસાનું વાતાવરણ પણ સર્જાયું હતું. પરિણામે પોલીસ પ્રશાસન દ્વારા ખેડૂતોના નેતાઓની પણ અટક કરી હતી, જેને કારણે ખેડૂતોએ પથ્થરમારો કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. શંભુ બોર્ડર પર 63 વર્ષના ખેડૂતોનું મોત થયું હતું. પ્રદર્શન કરી રહેલા ખેડૂતનું હાર્ટ એટેકેને કારણે મોત થયું હતું. આ ઉપરાંત, પંજાબ-હરિયાણા બોર્ડર પર ખનૌરી બોર્ડર પોઇન્ટ પર બુધવારે થયેલી અથડામણમાં ભટિંડાના વતની સિંહ(૨૧)નું મોત થયું હતું અને ૧૨ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે કેટલાક વિરોધ કરી રહેલા ખેડૂતો બેરિકેડ તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
દરમિયાન પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને આજે ખનૌરી બોર્ડર પોઇન્ટ પર મૃત્યુ પામેલા ખેડૂત શુભકરણ સિંહની બહેન માટે ૧ કરોડ રૂપિયાનું વળતર અને સરકારી નોકરીની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાન ભગવત સિંહ માને પંજાબીમાં કરેલી એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ખનૌરી બોર્ડર પર ખેડૂત આંદોલન દરમિયાન શહીદ થયેલા શુભકરણ સિંહના પરિવારને પંજાબ સરકાર દ્વારા ૧ કરોડ રૂપિયાની આર્થિક સહાય અને તેની નાની બહેનને સરકારી નોકરી આપવામાં આવશે. તેમજ ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ખેડૂત નેતાઓ સિંહના મૃત્યુ માટે જવાબદાર લોકો સામે કેસ નોંધવા ઉપરાંત પરિવાર માટે આર્થિક વળતર અને તેમના પરિવારના એક સભ્યને સરકારી નોકરીની માંગ કરી રહ્યા હતા. તેઓએ સિંઘ માટે શહીદના દરજ્જાની પણ માંગ કરી હતી. તેઓ ભટિંડાના બલો ગામના વતની હતા. ખનૌરીમાં અથડામણમાં એકનું મૃત્યુ અને ૧૨ પોલીસ કર્મચારી ઘાયલ થયા બાદ ખેડૂત નેતાઓએ બુધવારે દિલ્હી ચલો માર્ચને બે દિવસ માટે અટકાવી દીધી હતી તેમ જ શુક્રવારે સાંજે તેમની આગામી કાર્યવાહી નક્કી કરશે એમ જણાવ્યું હતું.