Farmers Protest: ખેડૂતોએ દિલ્હી ચલો કૂચ હાલ પૂરતી મોકૂફ રાખી, પછી જાહેર કરશે ભાવિ કાર્યક્રમ…
નવી દિલ્હી : પંજાબ-હરિયાણા સરહદ પાસે શંભુ બોર્ડર પરથી લઘુત્તમ ટેકાના ભાવ અને અન્ય માંગણીઓ સાથે ખેડૂતો ફરીથી દિલ્હી કૂચ(Farmers Protest)કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, પોલીસ સાથે ઘર્ષણ અને પોલીસે છોડેલા ટીયર ગેસના સેલ બાદ ખેડૂતોએ દિલ્હી ચલો કૂચ હાલ પૂરતી મોકૂફ રાખી છે. આ અંગે શંભુ બોર્ડર પર ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું, આજે અમે 101 ખેડૂતના જુથને પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. આ ઘર્ષણમાં એક ખેડૂતને પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની હાલત ગંભીર છે.જ્યારે 9 ખેડૂતો ઘાયલ છે.તેમજ આંદોલનની આગામી રણનીતિ પછી જણાવીશું.
આ પણ વાંચો : વિદેશી રોકાણકારો માટે ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું ભારત, જાણો વિગતે
ટીયર ગેસના સેલ છોડ્યા હતા
આજે 101 ખેડૂતોના જૂથે દિલ્હી તરફ તેમની કૂચ ફરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ સાથે ઘર્ષણનો સામનો કરવો પડ્યો છે. તેમજ પોલીસે ખેડૂતોની ભીડને કાબૂમાં લેવા ટીયર ગેસના સેલ છોડ્યા હતા. જો કે, હરિયાણા પોલીસે તેમની કૂચ માત્ર થોડા મીટર દૂર અટકાવી દીધી હતી. આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. હરિયાણા પોલીસે ખેડૂતોને તેમના વિરોધને આગળ વધારવા માટે જરૂરી પરવાનગીઓ બતાવવા કહ્યું. શંભુ બોર્ડર પર ખેડૂતો અને પ્રદર્શનકારીઓ સાથે આ બાબતે ઘણી ચર્ચા થઈ હતી.
પોલીસ ઓળખ પત્રો માંગી રહી છે
જ્યારે વિરોધ કરી રહેલા એક ખેડૂતે કહ્યું કે, પોલીસ ઓળખ પત્રો માંગી રહી છે. પરંતુ તેઓએ બાંહેધરી આપવી જોઈએ કે તેઓ અમને દિલ્હી જવા દેશે. તેઓ કહે છે કે અમને દિલ્હી જવાની મંજૂરી નથી. તો પછી અમે શા માટે ઓળખપત્ર આપીએ.
પોલીસ પાસે 101 ખેડૂતોની યાદી
આ દરમિયાન, પોલીસે દાવો કર્યો હતો કે ખેડૂતો 101 ખેડૂતોના આયોજિત જૂથ તરીકે નહીં પરંતુ ટોળા તરીકે આગળ વધી રહ્યા હતા. તેમણે કહ્યું કે ખેડૂતોને ઓળખ ચકાસણી પછી જ આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે. પોલીસે કહ્યું, અમે પહેલા તેમની ખરાઈ કરીશું અને પછી તેમને આગળ જવા દઈશું. અમારી પાસે 101 ખેડૂતોની યાદી છે, પરંતુ આ લોકો તેમની ઓળખ ચકાસવા દેતા નથી અને ટોળાંમાં આગળ વધી રહ્યા છે. જો કે, ખેડૂતોએ એ વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તેઓએ પોલીસને કોઈ યાદી આપી નથી.
આ પણ વાંચો : Farmers Protest : પોલીસે શંભુ બોર્ડર પરથી કૂચ કરતાં ખેડૂતોને અટકાવ્યા, ટીયર ગેસના સેલ છોડ્યા
પંજાબ-હરિયાણા બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી
પંજાબ-હરિયાણા સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમજ ખેડૂતોને રોકવા માટે બેરિકેડ લગાવવામાં આવ્યા છે. કલમ 163 હેઠળ પ્રતિબંધિત આદેશો લાગુ કરવામાં આવ્યા છે. જે હેઠળ પાંચથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ છે. શંભુ ઉપરાંત પંજાબ અને હરિયાણા વચ્ચેની ખનૌરી સરહદને ચાર સ્તરીય સુરક્ષા હેઠળ સીલ કરી દેવામાં આવી છે.જેમાં 13 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.