ખેડૂતોની દિલ્હી તરફ કૂચ: નોઇડા બોર્ડર પર ભારે ટ્રાફિક જામ, ખેડૂતો-પોલીસ આમનેસામને
દિલ્હી: સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વ હેઠળ આજે હજારો ખેડૂતો નોઈડાથી દિલ્હી તરફ કુચ (Farmers Delhi March) કરી રહ્યા છે. ખેડૂતોની યોજના સંસદ ભવનનો ઘેરાવ કરવાની છે, ખેડૂતોની કુચને કારણે દિલ્હી અને નોઇડાના ઘણા રસ્તાઓમાં ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. ગઈ કાલે ખેડૂતોએ દિલ્હી કુચની જાહેરાત કર્યા બાદ નોઈડા અને દિલ્હી પોલીસ સતર્ક થઇ ગઈ છે, બોર્ડર પર ભારે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. અનેક જગ્યાએ બેરિકેડ લગાવવામાં આવ્યા છે. ઘણા ખેડૂત નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે.
સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. ખેડૂતો નવા કૃષિ કાયદા હેઠળ વળતર અને લાભો માટેની તેમની પાંચ મુખ્ય માંગણીઓ રજુ કરશે. નોઈડા અને દિલ્હી પોલીસે લોકોને મેટ્રોનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.
ખેડૂતો-પોલીસ આમને સામને:
ખેડૂતોની કુચ હાલ મહામાયા ફ્લાયઓવરથી દિલ્હી તરફ આગળ વધી રહી છે. હાલ પોલીસ અને આંદોલનકારી ખેડૂતો આમને-સામને આવી ગયા છે. નોઈડાના મહામાયા ફ્લાયઓવરને ખેડૂતોએ ઘેરી લીધો છે, જેના કારણે ભારે ટ્રાફિક જામ થઈ ગયો છે.
પોલીસ બંદોબસ્ત:
ખેડૂતોના પ્રદર્શનને જોતા દિલ્હીની સરહદની આસપાસ ચાર હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. નોઈડા પોલીસે કહ્યું કે ખેડૂતોને કોઈપણ કિંમતે દિલ્હીમાં પ્રવેશવામાં દેવામાં નહીં આવે.
દિલ્હીના બોર્ડર વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં ટ્રાફિક ધીમી ગતિએ ચાલી રહ્યો છે. હાલ તમામ રેડ લાઈટ ગ્રીન કરી દેવામાં આવી છે.
પ્રદર્શન કરી રહેલા ખેડૂતો ભારતીય કિસાન પરિષદ (BKP), કિસાન મજદૂર મોરચા (KMM) અને સંયુક્ત કિસાન મોરચા (SKM) સહિત અન્ય સંગઠનો સાથે જોડાયેલા છે. BKP નેતા સુખબીર ખલીફાના નેતૃત્વમાં આ માર્ચ નોઈડામાં મહામાયા ફ્લાયઓવર પાસે બપોરે 12 વાગ્યે શરૂ થઇ હતી અને ખેડૂતો પગપાળા અને ટ્રેક્ટર પર દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે.
આ પણ વાંચો…શહેર કરતા ગામડાઓમાં લોન લેવાનું ચલણ વધ્યું, દર 1 લાખ લોકો પર 18 હજારથી વધુ લોન લેનારા
ખેડૂતોની માંગણી:
ખેડૂતોએ સૌ પ્રથમ મહાપંચાયત યોજી હતી. તે પછી, 27મી નવેમ્બરે ગ્રેટર નોઇડા ઓથોરિટીની બહાર પ્રદર્શન શરુ કર્યું હતું. 28 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી યમુના ડેવલપમેન્ટ ઓથોરિટીની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રવિવારે ખેડૂતો અને વહીવટીતંત્ર વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જ્યારે માંગણીઓ પર કોઈ સહમતિ ન બની ત્યારે તેમણે ‘દિલ્લી ચલો’ના નારા લગાવ્યા હતા. આંદોલનકારી ખેડૂત સંગઠનો જમીન સંપાદનથી પ્રભાવિત ખેડૂતોને 10 ટકા ડેવલોપમેન્ટ પ્લોટ અને નવા જમીન સંપાદન કાયદાનો લાભ આપવાની માંગ કરી રહ્યા છે.