Farmers Protest : ખેડૂતો આજે શંભુ બોર્ડરથી દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ કરશે, અંબાલામાં ઈન્ટરનેટ સેવા બંધ

ચંદીગઢ : ખેડૂતો આજે ફરી તેમની માંગણીઓ સાથે આજે ફરી શંભુ બોર્ડરથી દિલ્હી તરફ કૂચ(Farmers Protest) કરવાનો પ્રયાસ કરશે. પરંતુ પોલીસે ખેડૂતોને રોકવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. શંભુ બોર્ડરથી દિલ્હી તરફ ખેડૂતોની વિરોધ કૂચ ફરી શરૂ થવાના કલાકો પહેલાં, હરિયાણા સરકારે શનિવારે ‘જાહેર શાંતિ’ જાળવવા માટે અંબાલા જિલ્લાના 12 ગામોમાં મોબાઇલ ઇન્ટરનેટ અને બલ્ક એસએમએસ સેવાઓ સ્થગિત કરી દીધી હતી. અધિક મુખ્ય સચિવ (ગૃહ) સુમિતા મિશ્રા દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર આ સસ્પેન્શન 17 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.
કેન્દ્ર સરકાર પર દબાણ વધારવા પ્રયાસ
પંજાબ અને હરિયાણાની સરહદ પર શંભુ બોર્ડર પર વિરોધ સ્થળથી શનિવારે બપોરે બાદ 101 ખેડૂતોનું જુથ દિલ્હી તરફ પગપાળા કૂચ ફરી શરૂ કરશે. ખેડૂતો પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની કાયદેસર ગેરંટી માટે કેન્દ્ર પર દબાણ લાવવા માટે કૂચ કરી રહ્યા છે. તેઓ તેમના પ્રશ્નોના નિરાકરણ માટે મંત્રણા કરવા માટે કેન્દ્ર પર દબાણ પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો…Bihar માં વોન્ટેડ ગુનેગાર પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો, પોલીસ ઇન્સ્પેક્ટર પણ ઘાયલ
સુરક્ષા જવાનોની ભારે તૈનાતી
હરિયાણાની સરહદ પર સુરક્ષા જવાનોની ભારે તૈનાતી કરવામાં આવી છે. આ અગાઉ, હરિયાણા સરકારે 6 થી 9 ડિસેમ્બર સુધી મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ અને બલ્ક એસએમએસ સેવાઓ સ્થગિત કરી દીધી હતી. શનિવારે જાહેર કરાયેલા નવા આદેશમાં અધિક મુખ્ય સચિવ (ગૃહ) સુમિતા મિશ્રાએ જણાવ્યું હતું કે, મને આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, હું મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ, બલ્ક એસએમએસ અને વૉઇસ કૉલ્સ સિવાય મોબાઇલ નેટવર્ક પર પૂરી પાડવામાં આવતી તમામ ડોંગલ સેવાઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપું છું.