દિલ્હી: વિવિધ માંગો સાથે આદોલન કરી રહેલા ખેડૂતોના આજે ફરી દિલ્હીમાં પ્રવેશવાનો પ્રયત્ન (Farmers Delhi March) કરશે, ખેડૂતો શંભુ બોર્ડર પર એકઠા થયા છે, ત્યાંથી દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારીઓ થઇ રહી છે. છેલ્લા 300 દિવસથી શંભુ બોર્ડર પર બેઠેલા ખેડૂતો હવે દિલ્હી જઈને વિરોધ દર્શાવવા ઈચ્છે છે. પંજાબના ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે શનિવારે કહ્યું હતું કે ખેડૂતોને તેમના મુદ્દાઓ પર વાતચીત માટે કેન્દ્ર સરકાર તરફથી કોઈ સંદેશ મળ્યો નથી, તેથી 101 ખેડૂતોનું જૂથ 8 ડિસેમ્બરે દિલ્હી તરફ કૂચ શરૂ કરશે.
16 ખેડૂતો ઘાયલ:
શુક્રવારે, પંજાબ-હરિયાણા સરહદ પર સુરક્ષા કર્મચારીઓ દ્વારા ટીયર ગેસના શેલ છોડવાને કારણે કેટલાક ખેડૂતો ઘાયલ થયા હતાં, ત્યાર બાદ દિલ્હી તરફ પગપાળા કૂચ મુલતવી રાખી હતી. ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે શંભુ બોર્ડર પર કહ્યું કે શુક્રવારે હરિયાણા પોલીસ સાથે અથડામણ થઈ હતી, જેના કારણે 16 ખેડૂતો ઘાયલ થયા હતા.
મિનિમમ સપોર્ટ પ્રાઈસ (MSP) માટે કાયદાકીય ગેરંટી સહિતની વિવિધ માંગણીઓ પૂરી કરવા ખેડૂતો દબાણ કરી રહ્યા છે. ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરના જણાવ્યા અનુસાર, 8 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે 101 ખેડૂતોનું એક જૂથ દિલ્હી તરફ કૂચ શરુ કરશે. હરિયાણા પોલીસે પંજાબ પોલીસને પત્ર લખીને મીડિયાકર્મીઓની સુરક્ષા માટે તેમને વિરોધ સ્થળથી અમુક અંતરે રોકવામાં આવે અને કાયદો અને વ્યવસ્થા જાળવવી સરળ બને તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.
Also Read – Farmers Protest: ખેડૂતોએ હાલ કૂચ મોકુફ રાખી, સરકારને બે દિવસનો સમય આપ્યો…
સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી:
ખેડૂતોની દિલ્હી કૂચની જાહેરાત બાદ ફરી એકવાર બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થયા છે, જેમાં દેખાય છે કે કેટલાક કારીગરો વેલ્ડીંગ કરી રહ્યા છે. ખેડૂતોને રોકવા માટે, સ્પાઇક પેટર્ન દેખાય બેરીયર અને બ્રેકર્સ લગાવવામાં આવ્યા છે. આ પહેલા પણ જ્યારે ખેડૂતો દિલ્હી આવતા હતા ત્યારે પણ આવી જ તૈયારીઓ કરવામાં આવી હતી.