Farmer Protest: સરકાર સાથે ચોથી બેઠક પણ ફેલ, KSM એ કહ્યું, ‘MSP ગેરંટીથી ઓછું કઈ જ નહીં…’
નવી દિલ્હી: Farmer Protest દિલ્હી તરફ કૂચ કરતા આંદોલનકારી ખેડૂતોને રોકવા માટે દિલ્હી સરહદે ચાંપતો પોલીસ બંદોબસ્ત અને નાકાબંધી કરી છે. ખેડૂતોને આગળ વધતા રોકવા માટે દિલ્હી તરફ જતાં બધા જ રસ્તે કિલ્લેબંધી કરી દીધી છે. આ બધાની વચ્ચે આંદોલનકારી ખેડૂતો અને સરકાર વચ્ચે અગાઉ ત્રણ વાર મંત્રણા થઈ ચૂકી છે પરંતુ કોઈ ચોક્કસ નિવેડો આવ્યો નથી. ખેડૂતો અને સરકાર વચ્ચેની ચોથી બેઠક પણ નિષ્ફળ ગઈ છે.
સંયુક્ત કિસાન મોરચાએ કેન્દ્ર સરકારના MSP પ્રસ્તાવને ફગાવી દીધો છે. કેન્દ્ર સરકારે MSP પર પાંચ વર્ષના કરારનો પ્રસ્તાવ મૂક્યો છે. ખેડૂતોનું કહેવું છે કે મીડિયા રિપોર્ટના આધારે તેમને જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકાર A2+FL+50%ના આધારે ખેડૂતો માટે MSP પર વટહુકમ લાવવાની યોજના બનાવી રહી છે. ખેડૂતોના સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે C2+50% થી નીચેની કોઈપણ વસ્તુ સ્વીકારવામાં આવશે નહીં.
નિવેદન અનુસાર, કેન્દ્ર સરકારે મકાઈ, કપાસ, અરહર/તુવેર, મસૂર અને અડદ સહિતના પાંચ પાકની ખરીદી માટે ખેડૂતોને પાંચ વર્ષના કરારનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે, કિસાન મોરચાએ સ્પષ્ટતા કરી છે કે તેઓ માત્ર C2+50% ફોર્મ્યુલાના આધારે MSPની ગેરંટી ઇચ્છે છે. કિસાન મોરચાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભાજપે પોતે 2014ની ચૂંટણીમાં પોતાના મેનિફેસ્ટોમાં આ વચન આપ્યું હતું.
કિસાન મોરચાએ કહ્યું કે સ્વાનિથન કમિશને 2006માં તેના અહેવાલમાં કેન્દ્ર સરકારને C2+50%ના આધારે MSP આપવાનું સૂચન કર્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેના આધારે તે તમામ પાક પર MSPની ગેરંટી માંગે છે. આના દ્વારા ખેડૂતો તેમના પાકને નિયત ભાવે વેચી શકશે અને તેમને નુકસાન સહન કરવું પડશે નહીં. મોરચાએ કહ્યું કે જો મોદી સરકાર ભાજપના વાયદાઓને અમલમાં મુકી શકતી નથી તો વડાપ્રધાને ઈમાનદારીથી જનતાને કહેવું જોઈએ.
સંયુક્ત કિસાન મોરચાનું કહેવું છે કે ‘કેન્દ્રીય મંત્રી એ સ્પષ્ટતા કરવા તૈયાર નથી કે તેમના દ્વારા પ્રસ્તાવિત MSP A2+FL+50% કે C2+50% પર આધારિત છે. ચાર વખત ચર્ચા થઈ હોવા છતાં કોઈ ચોક્કસ નિર્ણય આવ્યો નથી. આ SKM દ્વારા દિલ્હીની સરહદો પર 2020-21ના ઐતિહાસિક ખેડૂતોના આંદોલન દરમિયાન સ્થાપિત લોકશાહી સંસ્કૃતિની વિરુદ્ધ છે.’