જાણીતા ભરતનાટ્યમ ડાન્સરની અમેરિકામાં ગોળી મારીને હત્યા
વોશિંગ્ટનઃ ભારતના પશ્ચિમ બંગાળના ભરતનાટ્યમ અને કુચીપુડી ડાન્સર અમરનાથ ઘોષની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ મામલે તેમની મિત્ર અને ટીવી એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચારીએ ભારતીય દૂતાવાસ પાસે તપાસની માંગ કરી છે.
ટીવી અભિનેત્રી દેવોલિના ભટ્ટાચારીએ શુક્રવારે કહ્યું હતું કે ભારતીય ડાન્સર અમરનાથ ઘોષની અમેરિકાના મિસૌરી રાજ્યમાં હત્યા કરવામાં આવી છે. તેઓ 27 ફેબ્રુઆરીના રોજ સેન્ટ લુઇસ એકેડમીની આસપાસ ફરતા હતા. ત્યારે અજાણ્યા હુમલાખોરોએ આવીને તેમના પર ઘણી વખત ગોળીબાર કર્યો હતો, જેના કારણે તેમનું મોત થયું હતું.અભિનેત્રી દેવોલિના ભટ્ટાચારીએ 1 માર્ચે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. સોશિયલ મીડિયા દ્વારા તેણે પીએમ મોદી, વિદેશ મંત્રી જયશંકર અને અમેરિકામાં ભારતીય દૂતાવાસ પાસે આ મામલે તપાસની માંગ કરી છે.
અમરનાથ ઘોષ તેમના પરિવારમાં એકલા હતા. તેમની માતાનું ત્રણ વર્ષ પહેલા જ અવસાન થયું હતું. બાળપણમાં જ તેમના પિતાનો સાથ છૂટી ગયો હતો.અમરનાથ ઘોષ અમેરિકાના મિસૌરી રાજ્યના સેન્ટ લુઈસમાં રહેતા હતા ત્યારે વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી ડાન્સમાં માસ્ટર ઓફ ફાઈન આર્ટ્સનો અભ્યાસ કરી રહ્યા હતા. તેઓ મંગળવારે બહાર ફરતા હતા. આ દરમિયાન અજાણ્યા હુમલાખોરો દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી. નવાઈની વાત એ છે કે તેમને એક વાર નહીં પરંતુ ઘણી વખત ગોળી વાગી હતી. આ દર્શાવે છે કે હુમલાખોરો તેની હત્યા કરવાના ઈરાદે આવ્યા હતા. તેમના શરીરમાંથી ઘણું લોહી વહી જવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.
અમેરિકામાં ભારતીય ગાયકો અને કલાકારોની હત્યાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. તાજેતરમાં અમેરિકામાં ગુરુદ્વારાની બહાર એક શીખ ભારતીય સંગીત કલાકારની બદમાશો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના થોડા દિવસો બાદ જ ફરી એક ભરતનાટ્યમ કલાકાર અમરનાથ ઘોષની હત્યા કરવામાં આવી છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે અમેરિકામાં એક પછી એક ભારતીય ગાયકોની હત્યા શા માટે થઈ રહી છે.