લાપતા પુત્રને શોધવા માટે 103 દિવસ ધરણાં પર બેઠો પરિવાર, બહેને ધરણાં-સ્થળ પર જ આપ્યો બાળકને જન્મ

રાજસ્થાન: જયપુરમાં છેલ્લા 5 વર્ષથી લાપતા ભાઇને શોધવા માટે 103 દિવસ સુધી સતત ધરણાં-વિરોધ પ્રદર્શન પર બેસેલી ગર્ભવતી મહિલાએ ધરણાંસ્થળ પર જ બાળકને જન્મ આપ્યો હતો. આ મહિલાનો આક્ષેપ છે કે તેનો ભાઇ 5 વર્ષથી ગાયબ છે અને તેને સ્થાનિક તંત્ર તરફથી કોઇ સહાય નથી મળી રહી. ઉપરાંત આરોપીઓના નામ પણ પોલીસ ફરિયાદમાં છે તેમ છતાં કાયદાની છટકબારીનો લાભ લઇ તેઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે.
રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતના ગૃહ જિલ્લા જોધપુરનો એક દલિત પરિવારનો યુવક નરેશ બંજારાને ગુમ થયે 5 વર્ષ વીતી ગયા છે. પરિવારજનોએ અવારનવાર સીએમ ગહેલોતને મળવા માટે પ્રયાસો કર્યા પરંતુ તેમને બહારથી જ વળાવી દેવામાં આવ્યા હતા. અંતે પીડિત પરિવાર ન્યાયની માગ સાથે શહીદ સ્મારક પર ધરણાં-પ્રદર્શન કરવા બેઠું હતું. આ વિરોધ પ્રદર્શનને પણ 103 દિવસ થઇ ગયા છે. પરિવારે યુવક ગુમ થતાં જ પોલીસમાં ફરિયાદ સહિતની તમામ કામગીરી કરી, આરોપીઓના નામ પણ આપ્યા તેમ છતાં પોલીસ કડક કાર્યવાહી ન કરતી હોવાનો પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે.
લાપતા યુવક નરેશની 2017માં સગાઇ નક્કી થઇ હતી. પરંતુ તે જ વર્ષે નવેમ્બર મહિનામાં તે ગુમ થઇ ગયો. લાપતા યુવકના પિતાએ જણાવ્યું હતું કે સીએમના ગૃહ જિલ્લાની આ ઘટના હોવા છતાં પણ પોલીસ કેસમાં ધ્યાન નથી આપી રહી, ન તો તેઓ આરોપીઓને પકડી રહ્યા છે, ન તો તેઓ યુવકની ભાળ મેળવી રહ્યા છે. પરિવારજનોની હાલત એ હદે ખરાબ છે કે તેઓ દરરોજ ઉંઘની ગોળીઓ ખાય છે. લાપતા યુવકની બહેન પોતાના બાળકની સાથે જ ધરણાં પર બેઠી છે.
આંખોમાં આંસુ સાથે તેણે મીડિયાને જણાવ્યું કે માતા બનવાના આનંદ કરતા ભાઇને શોધવા તંત્રની મદદ ન મળ્યાનો અફસોસ વધારે છે. સીએમ આવાસ પર જ્યારે પણ જઇએ ત્યારે અમને ખદેડી દેવામાં આવે છે. જો કે આ લડત અમે ચાલુ રાખીશું અને જ્યાં સુધી ભાઇ ન મળે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન કરતા રહીશું એમ મહિલાએ જણાવ્યું હતું.