રામ મંદિરના પ્રસાદના નામે ભળતી જ મીઠાઇ વેચતા Amazonને કેન્દ્રએ ફટકારી નોટિસ
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે Amazonને એક નોટિસ ફટકારી છે, જેમાં આરોપ મુકવામાં આવ્યો છે કે કંપની દ્વારા વેબસાઇટ પર ‘શ્રી રામમંદિર અયોધ્યા પ્રસાદ’ના નામે સાધારણ મીઠાઇ વેચવામાં આવી રહી છે. અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટ દ્વારા કોઇ જ પ્રકારના પ્રસાદનું ઓનલાઇન વેચાણ કરવામાં આવતું નથી.
કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજીમાં પ્રખ્યાત ઇ-કોમર્સ વેબસાઇટ Amazon સામે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે હજુ તો અયોધ્યામાં રામમંદિરનું ઉદ્ઘાટન પણ નથી થયું અને વેબસાઇટ પર આ પ્રકારે રામમંદિરના પ્રસાદના નામે લોકોને સામાન્ય મીઠાઇ પધરાવી દેવામાં આવી રહી છે. આનાથી લોકો ગેરમાર્ગે દોરાઇ રહ્યા છે.
કમાણી કરવાને ઇરાદે ઓનલાઇન શોપિંગ વેબસાઇટ તેમના ઉત્પાદનો વિશે ખોટી માહિતી આપતા હોય છે, જેના પગલે લોકો પ્રસાદ ખરીદવા આકર્ષાય છે પરંતુ તેમને એ વાતનો ખ્યાલ જ નથી હોતો કે તેમની આસ્થા સાથે રમત રમાઇ રહી છે. કોઇપણ વસ્તુ કે સેવા વિશે ગ્રાહકોને અયોગ્ય માહિતી આપવી એ તેમનું શોષણ કરવા બરાબર છે.
Amazon પર રામમંદિરના પ્રસાદ વિશે ભ્રામક માહિતી આપતા ઉત્પાદનોની એક વિશિષ્ટ શ્રેણી છે. જેમાં ‘શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ-રઘુપતિ ઘી લડ્ડુ’, ‘શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ- ખોયા ખોબી લડ્ડુ’, ‘શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ-દેસી ગાયના દૂધમાંથી બનેલા પેંડા’, જેવા શીર્ષક હેઠળ ઉત્પાદનો વેચાણ માટે મુકાયા છે.
કેન્દ્રએ ફટકારેલી નોટિસનો જવાબ આપવા માટે Amazonને સાત દિવસની અંદર જવાબ રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો છે. જો કંપની જવાબ ન આપે તો ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ, 2019 હેઠળ કંપની વિરુદ્ધ કાર્યવાહી થવાની શક્યતાઓ છે.