સમાધાન કરાવવા પહોંચ્યો નકલી IPS અને શંકા જતાં થઈ ગયો પર્દાફાશ….

લખનઉ: ગુજરાત બાદ હવે ઉત્તર પ્રદેશ પોલીસે પોતાને IPS અધિકારી ગણાવતા એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે રવિવારે આ માહિતી આપી. જલેશ્વર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર સુધીર કુમાર રાઘવે જણાવ્યું હતું કે શનિવારે, ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી હોવાનો દાવો કરનાર એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે ધરપકડ કરવામાં આવેલા આરોપીની ઓળખ લલિતપુર જિલ્લાના કોતવાલી નાકા વિસ્તારના રહેવાસી હેમંત પ્રતાપ સિંહ બુંદેલા તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે સબ ઇન્સ્પેક્ટર ચંદ્રશેખર ત્રિપાઠીએ આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ ખાખી યુનિફોર્મ પહેર્યો હતો પરંતુ તેનો યુનિફોર્મ IPS અધિકારી સાથે મેળ ખાતો ન જોઈને પોલીસને શંકા ગઈ અને કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કહ્યું કે તેણે શોખ તરીકે આ યુનિફોર્મ પહેર્યો હતો. તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો અને કહ્યું કે તે IPS અધિકારી નથી. આ પછી, તેની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
Also read: સુરતમાં નકલીનો વાયરો! નકલી IPS અધિકારી બાદ ઝડપાયો નકલી CID ઓફિસર
કઈ રીતે થયો પર્દાફાશ?
પ્રાપ્ત માહિતી અનુસાર, હેમંત રિયાઝુદ્દીનના ઘરે જઈ રહ્યો હતો. સલમાનનો તેની પત્ની સાથે વિવાદ ચાલી રહ્યો હતોસલમાનની પત્ની ઝેબા તેના સાસરિયાઓને એ ધમકી આપતી હતી કે તેના મિત્રનો પતિ IPS અધિકારી છે અને તે બધાને જેલમાં નાખી દેશે. જો કે જ્યારે અસલી પોલીસ આવી, ત્યારે નકલી IPSનો પર્દાફાશ થયો અને તે હેમંત બુંદેલા હોવાનું બહાર આવ્યું. જ્યારે તે પકડાયો, ત્યારે નકલી IPSની તબિયત બગડી ગઈ અને ત્યારબાદ તેને હેલ્થ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો.