દેશની રાજધાનીમાંથી નકલી ડોક્ટરોની ગેંગ પકડાઈ અને ખૂલ્યા આ રહસ્યો
દેશમાં મેડિકલ નિગ્લીજન્સની ઘણી ફરિયાદો થાય છે. ફરિયાદોમાં જે તે ડોક્ટરે જે ઈલાજ કર્યો હોય તે ઈલાજ ખોટો હોય છે અથવા તો ડોક્ટર જ ખોટો હોય છે કે નક્લી હોય છે. નકલી ખાદ્ય પદાર્થોની જેમ નક્લી ડોક્ટરો પણ છાશવારે પકડાતા આવ છે. નાના ગામ કે તાલુકામાં આવું બને તે સમજી શકાય પણ દેશની રાજધાનીમાં આ રીતે કાયદાનો ડર રાખ્યા વિના ડોક્ટરો પ્રેક્ટિસ કરે અને મેડિકલ કાઉન્સિલને ફરિયાદો થઈ હોવા છતાં કંઈ ન થાય તે ચિંતાનો વિષય છે. દેશની રાજધાની દિલ્હીમાં નક્લી ડોક્ટરોની ગેંગ મળી આવી છે. પોલીસે આ ગેંગ માટે કામ કરતા ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ડૉ. નીરજ અગ્રવાલ, તેમની પત્ની પૂજા અને સર્જન ડૉ. જસપ્રીત સિંહ અને ટેકનિશિયન મહેન્દ્ર તરીકે થઈ છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ લોકો ગ્રેટર કૈલાશ વિસ્તારમાં અગ્રવાલ મેડિકલ સેન્ટરના નામથી નર્સિંગ હોમ ચલાવતા હતા.
વાત જાણે એમ બની કે આ ચાર જણએ વર્ષ 2022માં પિત્તાશયની સારવાર માટે દાખલ દર્દી અસગર અલી પર સર્જરી કરી હતી. શરૂઆતમાં દર્દીને કહેવામાં આવ્યું કે આ સર્જરી સર્જન ડો.જસપ્રીત કરશે, પરંતુ ઓપરેશન પહેલા ડોક્ટર નીરજની પત્ની પૂજા અને વ્યવસાયે ટેકનિશિયન મહેન્દ્ર નામના વ્યક્તિએ સર્જરી કરી હતી. તેના કારણે જ દર્દી અસગર અલીનું પછીથી મોત થયું હોવાના આક્ષેપો થયા હતા.
અસગર અલીના મૃત્યુ બાદ મેડિકલ કાઉન્સિલ આ મામલે તપાસ કરી રહી હતી. અસગર અલીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે કેસ નોંધ્યો અને નર્સિંગ હોમના ડિરેક્ટર ડૉ. નીરજ, તેની પત્ની પૂજા, સર્જન ડૉ. જસપ્રીત સિંહ અને એક્સ-લેબ ટેકનિશિયન મહેન્દ્રની ધરપકડ કરી.
પોલીસની અત્યાર સુધીની પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ કેસમાં સર્જન ડો.જસપ્રીત સિંહે પણ બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા અને મિલીભગતથી આ ઓપરેશન નકલી ડોક્ટર પૂજા અને એક્સ લેબ ટેકનિશિયન મહેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું હતું. સર્જરીના દિવસે દર્દીના પરિવારને કહેવામાં આવ્યું કે પૂજા અને એક્સ-લેબ ટેકનિશિયન પણ ડોક્ટર છે. પોલીસને શંકા છે કે આ નર્સિંગ હોમમાં આ લોકોએ નકલી સર્જન બતાવીને ઘણા દર્દીઓના ઓપરેશન કર્યા છે. માત્ર નિરજ ડોક્ટર હોવાનું જાણવા મળ્યું છે.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે 2016થી અત્યાર સુધીમાં મેડિકલ કાઉન્સિલને આ ડોક્ટરો વિરુદ્ધ આવી 6 ફરિયાદો મળી છે. પોલીસને ક્લિનિકમાંથી 414 કોરી પ્રિસ્ક્રિપ્શન્સ પણ મળી છે જેના પર ડૉક્ટરની સહી છે. આટલું જ નહીં, પોલીસે નર્સિંગ હોમમાંથી ઘણા એક્સપાયર્ડ સર્જિકલ બ્લેડ, પ્રતિબંધિત દવાઓ, 54 એટીએમ કાર્ડ અને અન્ય દસ્તાવેજો જપ્ત કર્યા છે.