ટ્રેન ઉથલાવવાનું વધુ એક ષડયંત્ર નિષ્ફળ, કાનપુરમાં રેલવે ટ્રેક પર મળ્યો ગેસ સિલિન્ડર
ટ્રેન ઉથલાવવાનું વધુ એક કાવતરું નિષ્ફળ ગયું છે. આ વખતે ગુડ્સ ટ્રેનને ઉથલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું, જેને પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. કાનપુરના મહારાજપુર વિસ્તારમાં રેલવે ટ્રેક પર ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યો હતો, પણ ટ્રેનના લોકો પાયલટે સૂચકતા વાપરી અને સિલિન્ડર સાથે અથડાતા પહેલા જ ટ્રેનને રોકી દીધી હતી, જેને કારણે અકસ્માત ટાળ્યો હતો. ટ્રેક પર જ્યાં સિલિન્ડર રાખવામાં આવ્યો હતો તે લૂપ લાઇન છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.
પોલીસ તપાસમાં સિલિન્ડર ખાલી હોવાનું જણાયું હતું. પોલીસ આ સિલિન્ડરને પ્રેમપુર સ્ટેશનની લૂપ લાઇન પર લાવી છે. સવારે સાડા છ વાગ્યાની આસપાસ ટ્રેક પર સિલિન્ડર જોવા મળ્યો હતો. વારંવાર ટ્રેન ઉથલાવી દેવાના પ્રયાસોને લઈને રેલવે પણ એલર્ટ પર છે. સુરક્ષા એજન્સીઓ અને પોલીસ પણ પોતપોતાની રીતે ષડયંત્રનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ કમિશનરે કાનપુરમાં ટ્રેક પર સિલિન્ડર મળવાની ઘટનાની તપાસના આદેશ પણ આપ્યા છે. તેમણે આ અંગે સંપૂર્ણ રિપોર્ટ માંગ્યો છે. આજે સંયુક્ત ટીમ આ ઘટનાની તપાસ કરશે.
ગુજરાતના સુરત જિલ્લામાં શનિવારે ટ્રેનને ઉથલાવી દેવાના મોટા કાવતરાને નિષ્ફળ બનાવવામાં આવ્યું હતું. અજાણ્યા લોકોએ રેલવે ટ્રેકની ફિશ પ્લેટો કાઢી નાખી હતી અને અનેક સ્ક્રૂ ઢીલા કરી દીધા હતા. કોસંબા અને કીમ રેલવે સ્ટેશન વચ્ચેના અસરગ્રસ્ત ટ્રેક પરથી ટ્રેન પસાર થાય તે પહેલા જ એક લાઇનમેને રેલવે અધિકારીઓને જાણ કરી હતી. જેના કારણે છેડછાડનો પ્રયાસ ઝડપાયો હતો. સરત (ગ્રામીણ) વિસ્તારના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જાણ્યા લોકોએ બે ટ્રેકના છેડેથી બે ફિશ પ્લેટો કાઢી નાખી હતી અને ટ્રેક પર મૂકી દીધી હતી, તેમ જ 40-50 સ્ક્રૂ પણ કાઢી નાખ્યા હતા. ટ્રેકનું નિરીક્ષણ કરી રહેલા લાઇનમેનને શનિવારે સવારે 5.30 વાગ્યાની આસપાસ સમસ્યા જાણવા મળી હતી. ત્યાર બાદ રેલ્વે એન્જિનિયરો અને અન્ય સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને લાઇનનું સમારકામ કર્યું હતું. આ પછી વિવિધ ટ્રેનોની અવરજવર ફરી શરૂ થઈ હતી.
પ્રયાગરાજમાં પણ DFC લાઇન પર એક મામલો સામે આવ્યો છે. નવા કરછના સ્ટેશન પાસે રેલ્વે ટ્રેક પર તોફાનીઓએ મોટો પથ્થર મુક્યો હતો. નવી મનૌરી લાઇનથી ન્યૂ કરછના તરફ જતી માલગાડી સાથે પથ્થર અથડાયો હતો. માહિતી મળતાં આરપીએફની ટીમ પહોંચી હતી. બદમાશો ભાગી ગયા હતા, પરંતુ ટ્રેક પર પત્થરો જોવા મળ્યા હતા. આ મામલો શુક્રવારે મોડી રાતનો છે.