નેશનલ

એક છીંક આવે ને પેરાસિટામોલ લઈ લો છો…તો આ વાંચી લો

નવી દિલ્હીઃ એલોપથી જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે. ભારતમાં આયુર્વેદ, હોમિયોપોથી સહિતની થેરેપી હોવા છતાં ફટાફટ આરામ માટે લોકો એલોપથી જ પસંદ કરે છે. એવી તો ઘણી દવાઓ છે જે લેતા પહેલા લોકો ડોક્ટર કે કેમિસ્ટને પૂછવાની દરકાર પણ નથી કરતા. ઘરમાં સ્ટોક કરી રાખે છે અને જરૂર જણાય ત્યારે લઈ લે છે. આવી જ એક મેડિસિન છે, પેરાસિટામોલ. જરા પણ તાવ જેવું લાગે, કે થોડો થાક લાગે એટલે જાણે પીપરમેન્ટ લેતા હોય તેમ પેરાસિટામોલ લેતા લોકોએ ચેતી જવા જેવો અહેવાલ જાહેર થયો છે.

અહેવાલ અનુસાર પેરાસિટામોલ ટેબલેટ સહિતની 53થી વધુ દવાઓ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ નિવડી છે. માત્ર એક જ નહીં પ્રચલિત એવી ઘણી મેડિસિન સહિત 53 મેડિસિન પરીક્ષણમાં નિષ્ફળ નીવડી છે.

સીડીએસસીઓ દ્વારા પ્રતિબંધિત દવાઓમાં દર્દ રાહત આપતી દવા ડીક્લોફેનાક, તાવ ઘટાડવાની દવા પેરાસિટામોલ, એન્ટિફંગલ દવા ફ્લુકોનાઝોલ અને કેટલીક વિટામિન દવાઓનો સમાવેશ થાય છે. આ દવાઓ દેશની ઘણી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે. આ દવા ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ છે અને તેને સ્વાસ્થ્ય માટે જોખમી જાહેર કરવામાં આવી છે. ગુણવત્તા પરીક્ષણમાં ફેઇલ થયેલી દવાઓની યાદી સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ)એ પોતાની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કરી છે. આ પહેલા ઓગસ્ટ મહિનામાં જ આરોગ્ય મંત્રાલયે એક કરતાં વધુ સંયોજનો ધરાવતી 156 ફિક્સ ડોઝ દવાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. આરોગ્ય મંત્રાલય આ મામલે ઘણું સતર્ક છે અને લોકો માટે માર્ગદર્શિકા બહાર પાડતું રહે છે ત્યારે જનતાએ પણ સાવચેતી વાપરવાની જરૂર છે.

આ પણ વાંચો : High Blood Pressure: આ ચાર વસ્તુઓ તમને મેડિસિનથી બચાવી શકે છે


આ દવાઓ પણ ફેલ થઈ છે ટેસ્ટિંગમાં
મળતી માહિતી અનુસાર દેશની ડ્રગ્સ રેગ્યુલેટર સીડીએસસીઓ દર મહિને દવાઓની તપાસ માટે કેટલીક દવાઓની પસંદગી કરે છે. આ વખતે વિટામીન સી અને ડી-૩ ટેબલેટ શેલ્કલ, વિટામિન બી કોમ્પલેક્સ અને વીટામીન સી સોફટજેલ્સ, એન્ટિએસિડ પેન-ડી, પેરાસિટામોલ ટેબલેટ આઇપી 500 એમજી, એન્ટિ ડાયાબિટિક ડ્રગ ગ્લિમેપિરાઇડ, હાઇ બ્લડ પ્રેશરની દવા ટેલ્મિસર્ટન જેવી દવાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં આ દવાઓ નિષ્ફળ નિવડી છે. આ દવાઓ હેટેરો ડ્રગ્સ, એલકેમ લેબોરેટરી, હિંદુસ્તાન એન્ટિબાયોટિકસ લિમિટેડ (એચએએલ), કર્ણાટક એન્ટિબાયોટિક્સ એન્ડ ફાર્માસ્યુટીકલ્સ લિમિટેડ, મેગ લાઇફસાયન્સીઝ, પ્યોર એન્ડ ક્યોર હેલ્થકેર જેવી અગ્રણી કંપનીઓ દ્વારા બનાવવામાં આવી છે.

પેટના ઇન્ફેકશન માટે મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી દવા મેટ્રોનિડાઝોલ પણ પરીક્ષણમાં નિષ્ફળ નિવડી છે. આ દવાનું નિર્માણ પીએસયુ હિંદુસ્તાન એન્ટિબાયોટિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. ટોરેન્ટ ફાર્મા દ્વારા વિતરિત અને ઉત્તરાખંડ સ્થિત પ્યોર એન્ડ ક્યોર હેલ્થકેર દ્વારા નિર્મિત વિટામિન સી અને ડી-૩ ટેબલેટ શેલ્કલ પણ પરીક્ષણમાં નિષ્ફળ નિવડી છે. કોલકાતાની ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીએ એલ્કેમ હેલ્થ સાયન્સની એન્ટિબાયોટિક્સ ક્લેવમ 625 અને પેન ડીને નકલી ગણાવી છે.

આ જ પ્રયોગશાળાએ હૈદરાબાદ સ્થિત હેટેરો કંપનીની સેપેડેમ એક્સી 50 ડ્રાય સસ્પેન્શનની ગુણવત્તાને હલકી ગણાવી છે. આ દવા બેક્ટેરિયલ ઇન્ફેકશનમાં બાળકોને આપવામાં આવે છે. કર્ણાટક એન્ટિબાયોટિક્સ એન્ડ ફાર્મા લિ.ની પેરાસિટામોલ ગોળીઓને પણ ખરાબ ગુણવત્તાવાળી ગણાવવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button