Factory Explosion in Nagpur: નાગપુરમાં આઈસ ફેક્ટરીમાં અમોનિયા ટેંક ફાટતાં એકનું મોત, ત્રણ ઘાયલ | મુંબઈ સમાચાર

નાગપુરમાં આઈસ ફેક્ટરીમાં અમોનિયા ટેંક ફાટતાં એકનું મોત, ત્રણ ઘાયલ

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલી આઈસ ફેક્ટરીની એમોનિયા ટેન્કમાં જોરદાર વિસ્ફોટ થયો હતો જેમાં ફેક્ટરીમાં કામ કરતા 70 વર્ષીય કર્મચારીનું મોત નીપજ્યું હતું અને ત્રણ કામદાર ઘાયલ થયા હતા. આ ઘટના ઉપ્પલવાડી વિસ્તારમાં બની હતી. અહીં શનિવારે મોડી સાંજે બાલાજી આઈસ ફેક્ટરીમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનો અવાજ સાંભળીને ફેક્ટરીમાં અફરાતફરી મચી ગઈ હતી. કામદારો પોતાનો જીવ બચાવવા માટે અહીં તહીં દોડવા લાગ્યા હતા.

કપિલ નગર પોલીસ સ્ટેશનને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. રાહતકર્મીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. વિસ્ફોટના કારણે 70 વર્ષીય કામદાર ડુંગર સિંહ રાવતનું મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ કામદાર સાવન બઘેલ, ખેમુ સિંહ અને નયન આર્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક મેયો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ત્રણેયની સારવાર ચાલી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે જ્યારે વિસ્ફોટ થયો ત્યારે ચાર કામદારો એમોનિયા ટાંકી પાસે સફાઈ કરી રહ્યા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે નજીકના વાહનો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. વિસ્ફોટના કારણે વાહનોના કાચ પણ તૂટી ગયા હતા.

પોલીસે જણાવ્યું હતું કે મૃતક ડુંગર સિંહ રાવત મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો. તે આ ફેક્ટરીમાં ઘણા સમયથી કામ કરતો હતો. તેમના મૃત્યુ અંગે તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. આ બાબતે તપાસ ચાલુ છે. એમોનિયા ટાંકીમાં વિસ્ફોટ કયા કારણોસર થયો તેની તપાસ કરવામાં આવી રહી છે.

સંબંધિત લેખો

Back to top button