નેશનલ

2000 રૂપિયાની નોટ પાછી ખેંચીને આ નવી નોટ બહાર પાડશે RBI? જાણો શું છે ઈનસાઈડ સ્ટોરી…

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા 2000 રૂપિયાની નોટ જ્યારથી પાછી ખેંચવામાં આવી છે ત્યારથી અવારનવાર નવી 1000 રૂપિયાની ચલણી નોટ બહાર પાડવામાં આવશે એવા દાવા કરતાં અહેવાલો વાંચવા મળતા હોય છે. આ બધા વચ્ચે જ હવે એવી માહિતી સામે આવી રહી છે કે આરબીઆઈ ટૂંક સમયમાં જ 5000 રૂપિયાની ચલણી નોટ બહાર પાડશે. આ નોટ કેવી હશે એના ફોટો પણ સામે આવી રહ્યા છે. પરંતુ જ્યારે આ દાવાની પૂરતી તપાસ કરવામાં આવી ત્યારે જે જાણવા મળ્યું એ ખરેખર ખૂબ જ ચોંકાવનારું છે. ચાલો જોઈએ શું છે આ દાવા પાછળની સચ્ચાઈ-

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી પોસ્ટમાં 5000 રૂપિયાની ચલણી નોટનો ફોટો વાઈરલ થઈ રહ્યો છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આરબીઆઈ ટૂંક સમયમાં જ આ નોટ બહાર પાડશે. પરંતુ જ્યારે ફેક્ટ ચેક કરવામાં આવ્યું ત્યારે આ દાવો સંપૂર્ણપણે પાયાવિહોણો હોવાનું જાણવા મળ્યું હતું.

ફેસબુક પર એક યુઝર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે ટૂંક સમયમાં જ બજારમાં 5000 રૂપિયાની ચલણી નોટો બહાર પાડવામાં આવશે અને આ સાથે જ યુઝરે 5000 રૂપિયાની નોટ કેવી હશે એનો ફોટો પણ શેર કર્યો છે.

આ પણ વાંચો: 200 રૂપિયાની નોટ પરથી મહાત્મા ગાંધીનો ફોટો હટાવી છપાશે આ ઉદ્યોગપતિનો ફોટો, RBI શું કહે છે આ વિશે…

આરબીઆઈની ઓફિશિયલ વેબસાાઈટ પર આ પ્રકારની જાહેરાત કરતી કોઈ પણ પ્રેસનોટ જોવા મળી નહોતી. જોકે, એક પ્રેસરિલીઝ મળી જેમાં જણાવવામાં આવ્યું છે કે આરબીઆઈ 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચી રહી છે. પહેલી જાન્યુઆરીની આ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે 19મી મે, 2023 સુધી ચલણમાં રહેલી 2000 રૂપિયાની નોટ આરબીઆઈ દ્વારા પાછી ખેંચી લેવામાં આવી છે અને આશરે 98.12 ટકા નોટ બેંક પાસે પાછી આવી ગઈ છે.

આ ઉપરાંત ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન (FAQs) સેક્શનમાં પણ જણાવવામાં આવ્યું છે કે બેંક 10 રૂપિયા, 20, રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયાની ચલણી નોટો આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવી છે. આ સિવાય આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી નોટના સેટનો પણ એક ફોટો જોવા મળ્યો હતો અને આ સેટમાં પણ 5000 રૂપિયાની નોટનો ફોટો તો દૂર પણ ઉલ્લેખ પણ જોવા મળ્યો નહોતો.

આ પણ વાંચો: 200 રૂપિયાની નોટ પણ બંધ થઈ રહી છે? RBIએ કરી આ સ્પષ્ટતા, જાણી લો એક ક્લિક પર…

દરમિયાન પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા પણ 5000 રૂપિયાની નોટને લઈને કરવામાં આવી રહેલાં આ દાવાને ફગાવી દેતાં કહ્યું હતું કે આરબીઆઈની આવી કોઈ યોજના નથી. બજારમાં ટૂંક સમમયાં 5000 રૂપિયાની નોટ આવશે, એવો કરાઈ રહેલો દાવો સદંતર ખોટો છે.

જો તમને પણ આવા કોઈ દાવો કરતો મેસેજ કે પત્ર મળે તો તેના પર ભરોસો કરવાને બદલે પહેલાં એક વખત તેની ખરાઈ ચોક્કસ કરી લેજો, જેથી છેતરપિંડીથી બચી શકો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button