પૂર્વોત્તરમાં ઉગ્રવાદી સંગઠન ULFA-I સક્રિય થયું, નાની દીકરીને છોડી પતિ-પત્ની સંગઠનમાં જોડાયા

ગુવાહાટી: મણિપુરમાં છેલ્લા એક વર્ષથી વધુ સમયથી સતત ચાલી રહેલી હિંસા વચ્ચે ઉત્તર-પૂર્વ ભારતના અન્ય રાજ્યોમાં અન્ય ઉગ્રવાદી સંગઠનો સક્રિય થઇ રહ્યા છે. એક અહેવાલ મુજબ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસોમ-ઈન્ડીપેન્ડન્ટ (ULFA-I)માં નવા સભ્યોની ભરતી કરવામાં આવી રહી છે. આસામના તિનસુકિયા(Tinsukia)માં રહેતા એક દંપતી ચાર વર્ષની પુત્રીને છોડી પ્રતિબંધિત સંગઠન ULFA-Iનો સભ્ય બન્યા છે.
એક અહેવાલ મુજબ મમતા નિઓગ અને તેના પતિ અચ્યુત નિઓગ તેમનું પૈતૃક ઘર છોડીને ULFA-Iમાં જોડાઈ ગયા છે, જતા પહેલા દંપતી પુત્રીને તેના જિલ્લાના ડીરાક કપટોલી ગામમાં દાદા-દાદી સાથે છોડી ગયા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે દંપતી મ્યાનમારમાં ઉલ્ફા-1 બેઝ કેમ્પ તરફ ગયા હતા.
પતિ-પત્ની 5 મેના રોજ તેમના ઘરેથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા. અચ્યુત નિઓગના પિતાએ જણાવ્યું કે તેમનો એકમાત્ર પુત્ર અચ્યુત 5 મેના રોજ ફોન આવ્યા બાદ ઘરેથી નીકળી ગયો હતો. થોડા સમય બાદ તેની પત્ની મમતા પણ તે જ સમયે ઘરથી નીકળી ગઈ હતી.
પોલીસે આ અંગે કંઈ કહેવાનો ઈન્કાર કર્યો હતો અને પોલીસે કહ્યું હતું કે પહેલા અમારે સમગ્ર મામલાની તપાસ કરવી પડશે.
થોડા સમય પહેલા સંગઠને પોલીસના જાસૂસ હોવાના આરોપમાં પોતાની જ સંસ્થાના બે સભ્યોને ફાંસીની સજા સંભળાવી હતી.
ગયા મહિને, લોકસભાની ચૂંટણી માટેની કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં આસામના તિનસુકિયામાં આસામ રાઇફલ્સના વાહનો પર ઓચિંતો હુમલો થયો હતો, જેની જવાબદારી ULFA(I) એ લીધી હતી. આ ઘટના તિનસુકિયાના નામદાંગમાં બની હતી, જે માર્ગેરિટાના ચાંગલાંગ રોડ પર છે.
ઉલ્ફા ભારતના પૂર્વોત્તર રાજ્ય આસામમાં સક્રિય એક ઉગ્રવાદી સંગઠન છે. તેનું લક્ષ્ય સશસ્ત્ર સંઘર્ષ દ્વારા આસામને સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવાનું છે. ભારત સરકારે 1990 માં તેના પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું.